Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં અસંખ્ય રસ્તાઓ ધોવાણ થઈ જાય છે, પુલિયા અને કોઝ-વે તૂટી પડે છે. પાણીના ટાંકા જમીનો પર ઢળી પડે છે, કેટલાંયે કહેવાતા ‘વિકાસ’કામો વરસાદી પાણીમાં તણાઈ દરિયાના પેટમાં કાયમ માટે સમાઈ જાય છે- આ પ્રકારની જમીની હકીકતો અવારનવાર બહાર આવે છે.
આ બધી હકીકતો વચ્ચે ગુજરાત સરકારે રચેલા ‘વહીવટી સુધારણા પંચ’નો ચોથો અહેવાલ તાજેતરમાં જાહેર થયો. આ પંચના વડા છે ડો. હસમુખ અઢીયા. અગાઉ તેઓ કેન્દ્ર સરકારમાં કામગીરીઓ કરતાં હતાં. પંચના આ અહેવાલે ગુજરાત સરકારની પોલ છતી કરી નાંખી છે. જમીની આંકડાઓ વાંચી કોઈની પણ આંખો પહોળી થઈ જાય.
પંચનો અહેવાલ કહે છે: રાજયમાં પ્રત્યેક 54 ગામડાં વચ્ચે માત્ર એક જ ઈજનેર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ATVT એટલે કે આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો ખૂબ જ ગુણગાન ગવાતા હોય એવી સરકારી યોજના છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકામો કરે છે. પરંતુ તેની હકીકતો આંખ ઉઘાડનારી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં 54 ગામડાંદીઠ માત્ર એક ઈજનેર છે, તેણે વર્ષના 365 દિવસ દરમ્યાન સરેરાશ 750 કામો કરવાના હોય છે. આ કામોમાં દર મહિને એકાદ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. આ કામોમાં ઈજનેર નિરીક્ષણ માટે ક્યાં, કેવી રીતે પહોંચે ?
ગુજરાત સરકારના આંકડાઓ મુજબ, રાજ્યમાં નાયબ કાર્યપાલક ઈજનેરની 72 ટકા જગ્યાઓ ખાલી, અધિક મદદનીશ ઈજનેરની 98 ટકા જગ્યાઓ ખાલી, સંશોધન સહાયકોની આખા રાજ્યમાં બધી જ જગ્યાઓ ખાલી અને નાયબ હિસાબનીશની 77 ટકા જગ્યાઓ ખાલી- ATVT એટલે કે આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો યોજનાની સાચી સ્થિતિઓ આ છે !
રાજ્યમાં વ્યવસ્થા સંચાલન અને અસરકારક મોનિટરીંગ માટે સરકાર પાસે અધિકારીઓ એટલે કે માનવબળ જ નથી. ઓછા સ્ટાફ સાથે વિકાસ યોજનાઓ ચાલી રહી હોય, સ્થાનિક નેતાઓ અને અફસરો આ નાણાંના ‘ભાગ’ પાડી લેતાં હોય છે. આથી આ યોજનાઓ અસફળ રહેતી હોય છે. કરદાતા લોકોને આ સરકારી યોજનાઓના લાભો મળતાં નથી. કરદાતાઓનું નાણું વેડફાટ પામે છે. વિકાસની વાતોનો ભેદ ઉઘાડો પડી જાય છે.
પંચના વડા તરીકે ડો. હસમુખ અઢીયાએ ભૂપેન્દ્રભાઈની સરકારને ભલામણ કરી કે, ક્ષેત્રીય કર્મચારીઓ પરના કાર્યભાર વિતરણ પર વ્યાપક પુન:વિચારની ખૂબ જ જરૂર છે. ઈજનેરો પરના અતિશય કામભારણને કારણે આ અધિકારીઓ કામોનું નિરીક્ષણ કરી શકતા નથી. આથી કામો અધૂરા પણ રહી જતાં હોય છે. હવે પંચની આ ભલામણોને ધ્યાન પર લઈ સરકાર સુધારાઓ કરે છે કે કેમ, તે જોવાનું રહ્યુ.