Mysamachar.in-અમદાવાદ:
ભારતને ડિજિટલ બનવાની ઉતાવળ છે, બીજી તરફ હકીકત એ છે કે એક તો આ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકાયું નથી અને એક મુદ્દો એ પણ છે કે, સરકારની કે ખાનગી ઓનલાઈન સેવા સુવિધાઓનો ઉપયોગ સાયબર ક્રાઈમની દ્રષ્ટિએ જોખમી છે, સાયબર નિષ્ણાંતો વપરાશકારોને સલામત બનાવી શક્યા નથી, લોકો લૂંટનો અને બ્લેકમેઈલિંગનો ભોગ બની રહ્યા છે, લોકોએ આવા કારણોસર આપઘાત પણ કરવા પડે છે, સાયબર સલામતી ચિંતાપ્રેરક મામલો પૂરવાર થયો છે, ક્યાંય કોઈ સલામત નથી.
હવે એક નવી ઉપાધિનો ઉમેરો થયો છે, ચૂંટણીકાર્ડમાં સુધારાઓ માટે કે અન્ય કોઈ કામ માટે તમે ચૂંટણીકાર્ડ સંબંધિત ઓનલાઈન લિંકનો ઉપયોગ કરો અને તમે ફસાઈ જાવ, તો તમારાં નસીબ. આ સેવાઓ પણ સલામત નથી, લોકોને સલાહ અને ચેતવણીઓ આપવામાં આવી રહી છે, તમે ઠગબાજોનો શિકાર બની શકો છો, તો શું લોકોએ પોતાના ચૂંટણીકાર્ડ સંબંધિત કામો માટે કચેરીએ ધક્કાઓ ખાવાના ચાલુ રાખવાનું ? એવો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.
લોકસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે નાગરિકો પોતાના ચૂંટણીકાર્ડ માટે પરેશાનીઓ સહન કરતાં હોય છે અને એ માટે સરકારની ઓનલાઈન સેવા તરફ દોરાતાં હોય છે. પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર જતાં નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. અને, આવા ગુનાઓ કરતાં તત્વો પકડાતાં પણ નથી. ગુજરાતમાં આવા ગુનાઓ બની રહ્યા છે.
લોકો સમય બચાવવા, ડિજિટલ બનવા તથા સરકારી કચેરીનો ધક્કો ટાળવા ઓનલાઈન પ્લેટફોર્મ પર જાય, તો ત્યાં સાયબર ક્રાઈમનો ભોગ બને. આ વ્યવસ્થા સુધરશે ક્યારે ? તમારાં મોબાઇલ પર મેસેજ આવે કે, ચૂંટણીકાર્ડમાં સુધારાઓ કરવા આ લિંક પર જાવ. અને જો તમે આ લિંક પર જાવ તો સાયબર ક્રાઈમનો ભોગ બનો તેવી પૂરી સંભાવનાઓ. ઘણાં લોકો આ રીતે ઠગબાજોનો શિકાર બન્યા છે અને બ્લેકમેઈલિંગનો ભોગ પણ બન્યા છે. સાયબર અધિકારીઓએ આવી લિંકથી દૂર રહેવા અને ચૂંટણી આયોગની અધિકૃત વેબસાઈટ ચકાસીને ત્યાં આ ઓનલાઈન સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.