Mysamachar.in:ગાંધીનગર
સોશિયલ નેટવર્કિંગ સાઇટસ મોટાભાગનાં લોકો માટે વિવિધ કારણોસર આકર્ષક પ્લેટફોર્મ રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયાને પોતાની એક મર્યાદા છે. પ્રવર્તમાન નિયમો અને કાયદાઓ તથા જોગવાઈઓ વગેરેનું પ્રત્યેક યૂઝરે પાલન કરવું કાયદાકીય રીતે ફરજિયાત હોય છે. જેનાં ભંગ બદલ સજાઓ પણ હોય છે. ખાસ કરીને તપાસનીશ એજન્સીઓ, દરોડા એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણીની ફરજો બજાવતી એજન્સીઓએ સોશિયલ મીડિયાનાં અંગત ઉપયોગ સમયે વધુ સતર્ક રહેવું પડે. તેઓ સામાન્ય નાગરિક નથી. તેઓ પાસેથી કડક શિસ્ત અપેક્ષિત હોય છે.
આ અનુસંધાને રાજયનાં પોલીસવડાએ એક આદેશ બહાર પાડયો છે જેનો કડક અમલ કરાવવા સંબંધિત તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશમાં જણાવાયું છે કે, પોલીસ સદસ્યો માટે સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતે આચારસંહિતા જાહેર કરવામાં આવેલી છે. આમ છતાં આ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ઘણાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજનાં સમય દરમિયાન અને ફરજ સિવાયનાં સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયા રીલ્સ/વીડિયો બનાવી તેને અલગઅલગ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પોસ્ટ કરે છે અને પોલીસની છબિને કલંકિત કરે છે.
આ આદેશમાં DGP વિકાસ સહાયએ અંતમાં જણાવ્યું છે કે, કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતની આચારસંહિતાનો ભંગ થયો હોવાનાં કિસ્સામાં સંબંધિત જિલ્લાનાં પોલીસવડાએ ત્વરિત સંજ્ઞાન લઈ કાર્યવાહી કરવાની રહેશે અને આ કાર્યવાહી અંગે DGP કચેરીને જાણ કરવાની રહેશે.