Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલમાં તાજેતરમાં વધુ એક વખત, હોસ્પિટલમાં કૂતરૂં એવા મામલે હોબાળો મચી ગયા બાદ તંત્ર દ્વારા બેદરકારીઓ દાખવતાં સિકયોરિટી વિભાગ વિરુદ્ધ પગલાંઓ લેવામાં આવ્યા છે.જામનગરમાં એવો હોબાળો મચેલો કે, હોસ્પિટલમાં કૂતરાંના મોઢામાં માંસનો લોચો છે. પરંતુ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ખુલાસો થયો કે, શ્વાનના મોઢામાં માંસનો લોચો નહીં, કોટન ગોઝ હતું. આ ગોઝ દર્દીઓના શરીર પરના ઘા અથવા ઈજાઓની સાફસૂફી માટે ઉપયોગમાં લેવાતું હોય છે.

આ આખાં સમાચારમાં મહત્ત્વનો મુદ્દો એ છે કે, અવારનવાર હોબાળા છતાં આજની તારીખે હોસ્પિટલમાં કૂતરાં આંટાફેરા કરી રહ્યા છે. હોસ્પિટલના મોટાભાગના વિભાગોમાં, વોર્ડસમાં અને છેક ઓપરેશન થિયેટર સુધીના ભાગોમાં આવું મોટેભાગે જોવા મળે છે. જે અનુસંધાને આખરે જૂની ઈમારતમાં કાર્યરત સિકયોરિટી વિભાગ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવી છે.

જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તાજેતરના આ શ્વાન પ્રકરણમાં જેઓ કસૂરવાર જણાયા છે તે 7 સિકયોરિટી કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 5 સિકયોરિટી ગાર્ડ તથા 2 સિકયોરિટી સુપરવાઈઝર આ મામલામાં દોષિત જણાતાં, તે સાતેયનો એક એક દિવસનો પગાર કાપી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને, હજુ પણ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત બનાવવા આ પ્રકારના કર્મીઓને નોકરીમાંથી દૂર કરવાની દિશામાં અમો પ્લાનિંગ વિચારી રહ્યા છીએ.
