Mysamachar.in:ગાંધીનગર
રાજય સરકારે જાહેર કર્યું છે કે, કોઈ પણ પ્રકારના દસ્તાવેજ જેમાં લખી આપનારા, લખાવી લેનારા અને ઓળખ આપનારા હોય, એવા દસ્તાવેજોમાં હવેથી જો આધારકાર્ડની ખરી નકલ રજૂ કરવામાં આવેલી હોય તો પણ તેને દસ્તાવેજના ભાગ તરીકે જોડવામાં આવશે નહીં. આ મહત્વપૂર્ણ મહેસૂલી સુધારો એટલાં માટે કરવામાં આવ્યો છે કે તેથી કોઈ આધારકાર્ડનો દુરુઉપયોગ કરી શકે નહીં. આ ઉપરાંત સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી વખતે દસ્તાવેજના પ્રથમ પાના પર દસ્તાવેજ રજૂ કરનારનો ફોટો તથા તેનાં અંગૂઠાની છાપ લેવામાં આવતી હતી તે પ્રથા પણ હવે બંધ કરવામાં આવી છે. હવે ફોટો કે અંગૂઠાની છાપ લેવામાં આવશે નહીં. રાજયના સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ જેનુ દેવન દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે . રાજયના તમામ સબ રજીસ્ટ્રારને સંબોધીને જાહેર કરવામાં આવ્યું છે કે, આ નિર્ણયની અમલવારી તાકીદે કરવામાં આવે.
પરિપત્ર કહે છે, અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજૂ કરતી વખતે દસ્તાવેજ સાથે આધારકાર્ડની ખરી નકલ રજૂ કરવી પડતી હતી. જેને દસ્તાવેજના પુરાવાના ભાગ તરીકે જોડવામાં આવતી. પરંતુ આ જોગવાઈને કારણે દસ્તાવેજ રજૂ કરનારના આધારકાર્ડ કે અંગૂઠાની છાપનો દુરુપયોગ થવાની સંભાવનાઓ રહેતી હતી. જેને રોકવા માટે મહેસૂલ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એમ પણ કહેવાયું છે કે, કોઈ દસ્તાવેજ રજૂ કરનાર જો આધારકાર્ડના છેલ્લા ચાર આંકડાઓ રજૂ કરશે તો પણ તેને અપલોડ કરવામાં આવશે નહીં.
પરિપત્રમાં તમામ સબ રજીસ્ટ્રારોને જણાવવામાં આવ્યું છે કે, દસ્તાવેજ નોંધણી વખતે લખી આપનારા, લખાવી આપનારા કે ઓળખ આપનારા ઓળખ આપતી વખતે આધારકાર્ડની નકલ રજૂ કરે તો પણ તેને દસ્તાવેજના ભાગ તરીકે જોડવાની નથી. દસ્તાવેજમાં હવેથી કોઈ પણ જગ્યાએ આધારકાર્ડ નંબર દર્શાવવાનો નથી. તેમ છતાં જો કોઈ પક્ષકારને પોતાના આધારકાર્ડનો ઉલ્લેખ કરવો જ હોય તો માત્ર છેલ્લા ચાર આંકડાઓ લખવાના રહેશે જે અપલોડ કરવામાં આવશે નહીં. દસ્તાવેજના પ્રથમ પાને દસ્તાવેજ રજૂ કરનારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો કે અંગૂઠાની સહી લેવામાં આવતી તે પણ હવેથી દસ્તાવેજના ભાગ તરીકે લેવામાં આવશે નહીં.