Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચે સરકારી મેડિકલ કોલેજો ચલાવે છે જેમાં ખૂબ જ ઓછાં ખર્ચથી કોઈ પણ વ્યક્તિ ભણીને તબીબ બની શકે છે. આ તમામ ખર્ચ કરદાતા નાગરિકોના નાણાંમાંથી સરકાર કરતી હોય છે. પરંતુ આ તબીબો ભણી લીધાં પછી સરકારી ડોકટર તરીકે 1 વર્ષ માટે પણ, ગ્રામ્ય વિસ્તારમાં નોકરી કરતાં નથી ! પગાર મળે છતાં નોકરી નથી કરવી ! ગામડાંના લોકોની સેવા નથી કરવી ! બોલો ! આ કારણથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તબીબી સેવાઓ અને સુવિધાઓ મળતી નથી અને તેથી ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરોમાં મોંઘીદાટ સારવાર સેવાઓ સુવિધાઓ લેવા આવવું પડે છે ! લૂંટનો ભોગ બનવું પડે છે ! બીજી તરફ આ જ કારણથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના લાખો રૂપિયાના ખર્ચ વડે બનેલાં અને બનતાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા તાલુકા અને જિલ્લા સ્તરે લાખોના ખર્ચથી બનતી સરકારી હોસ્પિટલો લોકો માટે ‘નકામી’ પૂરવાર થઈ રહી છે !!
સરકારનો નિયમ એવો છે કે, જે છાત્રો અને છાત્રાઓ સરકારી મેડિકલ કોલેજમાં ઓછાં ખર્ચથી તબીબો બને છે, તેઓએ ઓછામાં ઓછું એક વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ડોકટર તરીકે નોકરી કરવાની. સરકારનો હેતુ સરસ છે પરંતુ નિયમ બરાબર નથી ! આ નિયમના પાલન માટે જેતે છાત્રોએ સરકારને બોન્ડ લખી આપવાનું હોય છે. અને જો આ છાત્રો ડોકટર તરીકે આ સરકારી નોકરીઓ સ્વીકારે નહીં તો તે તબીબે બોન્ડ પેટે સરકારને નાણાં આપવા પડે. નવાઈની વાત એ છે કે, આ તબીબો પૈકીના મોટાભાગના તબીબો નોકરી કરવા ગ્રામ્ય વિસ્તારમાં જતાં નથી ! જે પૈકી કેટલાંક તબીબો સરકારને બોન્ડના નાણાં આપી છૂટી જાય છે. ઘણાં બધાં તબીબો તો આ નોકરી સ્વીકારતા પણ નથી અને સરકારને બોન્ડના નાણાં પણ નથી આપતાં ! લોકોની સેવા કરવાનો તો ઈન્કાર કરે જ છે સાથેસાથે સરકાર સામે, મફતમાં ભણી લીધાં પછી, દાદાગીરી કરે છે, બોન્ડના નાણાં પણ નથી આપતાં !! આ પ્રકારના તત્વોને મેડિકલ માફિયા કહી શકાય.
આંકડાઓ કહે છે: 2020/21માં સરકારે આ પ્રકારના 1,465 તબીબોની સરકારી ડોકટર તરીકે નિમણૂંક કરી. જે પૈકી 1,096 ડોકટરોએ નોકરી કરવા ના પાડી દીધી. જે પૈકી માત્ર 194 ડોકટરોએ સરકારને બોન્ડના નાણાં આપ્યા. બાકીના સાહેબોએ સરકારને ઠેંગો દેખાડી દીધો ! 2021/22માં સરકારે 316 ડોકટરોને નોકરી ઓફર કરી. જે પૈકી 262 ડોકટરોએ કહી દીધું નથી કરવી નોકરી, નથી કરવી સેવા. જે પૈકી 33 ડોકટરોએ તો સરકારને બોન્ડના નાણાં પણ નથી આપ્યા. વર્ષ 2022/23માં સરકારે 872 ડોકટરોને નોકરીઓ આપી. જે પૈકી 495 ડોકટરોએ નોકરી કરવાનો ઈન્કાર કરી દીધો. 120 ડોકટરોએ સરકારમાં નાણાં જમા કરાવ્યા. બાકીના 375 ડોકટરોએ બોન્ડના નાણાં પણ નથી આપ્યા ! જે લોકો આ બધી બાબતો જાણે છે તેઓ સમજે છે કે, સરકાર આ દિશામાં આટલાં વર્ષોમાં કશું ઉકાળી શકી નથી. પરિસ્થિતિ ખૂબ જ ચિંતાપ્રેરક છે.