Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના આરોગ્યતંત્રમાં ડોક્ટર્સ સહિતના સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી હોય, એક તરફ આ ચિંતાનો વિષય છે, બીજી તરફ આ કારણસર હજારો દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવા મજબૂર બનવું પડી રહ્યું છે. ખાસ કરીને, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની બહુ જ અછત છે.
રાજ્યમાં ધડાધડ ખાનગી મેડિકલ કોલેજો ખુલ્લી રહી છે, બેઠકોની સંખ્યા વધી રહી છે, હજારો તબીબો ભણીને બહાર આવી રહ્યા છે. પરંતુ ખાનગી વ્યવસાય વધુ આકર્ષક હોવાથી તબીબો સરકારી મેડિકલ કોલેજ કે હોસ્પિટલોમાં નોકરી કરવાનું ટાળતા હોય છે, આથી સરકારી આરોગ્યતંત્ર તબીબોના અભાવે ખોડંગાતુ ચાલી રહ્યું છે.
સરકારે જાહેર કર્યું છે કે, સરકારી મેડિકલ કોલેજોમાં પાછલાં 3 વર્ષમાં 1,969 તબીબોની ભરતીઓ કરવામાં આવી છે. જે પૈકી 89 ટકા એટલે કે, 1,751 ડોક્ટર્સની ભરતીઓ 11 માસના કરાર પર કરવામાં આવી છે. ઓક્ટોબર, 2024ની સ્થિતિએ રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની 700 જગ્યાઓ ખાલી છે. CAGનો રિપોર્ટ પણ કહે છે કે, રાજ્યના આરોગ્યતંત્રમાં અલગઅલગ કેડરની કુલ 5,000 જગ્યાઓ ખાલી છે. જેમાં બાળરોગ નિષ્ણાંતની 104 ખાલી જગ્યાઓ, સ્ત્રી રોગ નિષ્ણાંતની પણ આટલી જ જગ્યાઓ ખાલી છે અને આ ઉપરાંત ફિઝિશયન એન્ડ સર્જનની 102 જગ્યાઓ ખાલી છે. સરકાર કહે છે, ભરતીઓ માટેના પ્રયાસો છતાં તબીબો મળી રહ્યા નથી.
