Mysamachar.in-અમદાવાદ:
ડોક્ટરો દર્દીઓને દવાઓ લખી આપે કે ઓપરેશન અગાઉ કાગળો પર જે સૂચનાઓ લખે છે, તે લખાણ મોટે ભાગે અસ્પષ્ટ હોય છે, જેને કારણે ઘણી વખત દર્દીઓના શરીરમાં ખોટી દવાઓ પ્રવેશે, તેની આડઅસર પણ આવી શકે અથવા રોગમાંથી મુક્તિ મેળવવામાં વિલંબ પણ થતો હોય છે અથવા આ ઉપરાંત ઓપરેશનમાં પણ કોઈ તબીબી તકલીફ સર્જાઈ શકતી હોય છે.આ બધી બાબતો નિવારવા નેશનલ મેડિકલ કમિશને તમામ ડોક્ટરને આદેશ આપ્યો છે કે, દર્દીઓ સંબંધિત દવાઓ અને સૂચનાઓ તબીબી કેસપેપરમાં સ્પષ્ટ અક્ષરોમાં લખવાની રહેશે.
આ ઉપરાંત કમિશને જણાવ્યું છે કે, આ સૂચનાના અમલ માટે આરોગ્ય વિભાગમાં એક ખાસ પેટાસમિતિની રચના કરવાની રહેશે. જે આ આખા વિષય પર દેખરેખ રાખશે અને કસૂરવાર ડોક્ટરને ઓળખી કાઢશે તથા તેમની એક અલગ યાદી બનાવવામાં આવશે. જો કે નેશનલ મેડિકલ કમિશને એ સ્પષ્ટીકરણ કર્યું નથી કે, કસૂરવાર ડોક્ટરને શોધી કાઢ્યા બાદ શું કાર્યવાહીઓ થશે, કમિશને આ સ્પષ્ટીકરણ કર્યું ન હોય જાણકારો કમિશનની આ સૂચનાને અધૂરી ગણાવી રહ્યા છે.(ફાઈલ તસ્વીર)





