Mysamachar.in:ગાંધીનગર
મેડિકલનો અભ્યાસક્રમ એટલે અંગ્રેજી પાઠ્યપુસ્તકો અને રેફરન્સ પુસ્તકોનાં થોથાં. એવું અત્યાર સુધી જોવા મળતું હતું. પરંતુ હવે, તબીબી અભ્યાસક્રમમાં પણ ‘ ગુજરાતી ‘ ભાષામાં ભણવાની તકો (વિકલ્પ) લાખ્ખો ગુજરાતી છાત્રોને પ્રાપ્ત થવા જઈ રહી છે. બુધવારે આ જાહેરાત રાજ્યનાં આરોગ્યમંત્રી (સરકારનાં પ્રવક્તામંત્રી) દ્વારા કરવામાં આવી છે. પ્રવકતામંત્રીએ જણાવ્યું છે કે, મેડિકલનાં વિદ્યાર્થીઓ આસાનીથી અભ્યાસક્રમ એટલે કે, તબીબી વિજ્ઞાન સમજી શકે તે માટે આપણે આ અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં બનાવવા જઈ રહ્યાં છીએ. તેઓએ કહ્યું કે, દરેક વિદ્યાર્થી માટે અંગ્રેજી અને ગુજરાતી અભ્યાસક્રમ એમ બંને પ્રકારના વિકલ્પો ખુલ્લા રહેશે. મેડિકલ અભ્યાસક્રમનાં તમામ વિષયોનાં પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ આ બેમાંથી કોઈ પણ ભાષામાં ભણી શકશે, પરીક્ષા આપી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે આ નિર્ણય ગત્ વર્ષે લીધો હતો. જેની અમલવારી કરવાનો નિર્ણય હવે લેવામાં આવ્યો છે. આવતાં વર્ષથી આ અમલવારી શરૂ થઈ જશે. ગુજરાતી ભાષાને મેડિકલ શાખામાં પ્રાધાન્ય આપવામાં આવતાં ઘણાં વિદ્યાર્થીઓને રાહત મળી શકશે. પ્રવકતામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ ટેકનિકલ, તબીબી તથા વ્યવસાયિક અભ્યાસક્રમોનાં પુસ્તકો માતૃભાષામાં ઉપલબ્ધ થાય તે માટે નિષ્ણાંતોની સમિતિની રચના અગાઉ જ કરી લેવામાં આવી છે. વિવિધ યુનિવર્સિટીઓને પુસ્તકોના ભાષાંતરની કામગીરીઓ સોંપવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતુ કે, નેશનલ એજ્યુકેશન પોલિસી-2020નાં ધ્યેયો અને ઉદ્દેશ્યોને હાંસલ કરવા ગુજરાતમાં ‘ ગુજરાત NEP સેલ ‘ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ આ તમામ કામગીરી કરી રહી છે.