Mysamachar.in-સુરત
ક્યારેક સાચું તબીબી સર્ટી કેટલાક લોકોને ખરાઅર્થમાં કામે લાગી જતું હોય છે, પરંતુ જો તબીબો આવા બોગસ સર્ટીફીકેટ કાઢી આપે તો….? આ કિસ્સો સામે આવ્યો છે સુરતમાં… સરથાણા પોલીસ મથક વિસ્તારના મર્ડરના કેસમાં વચગાળાના જામીનની મુદત લંબાવવા હાઇકોર્ટમાં માંદગીનું બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર હત્યારા અને તેની પત્નીને રૂ.2 હજારમાં સર્ટિફિકેટ લખી આપનાર લિંબાયતના સાંઇ દર્શન ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડૉક્ટર સહિત ત્રણ વિરૂધ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરતની લિંબાયત પોલીસે આ પ્રકરણમાં બોગસ સર્ટિફિકેટ લખી આપનાર ડૉક્ટરની ધરપકડ કરી હતી.
વાત એવી છે કે ફેબ્રુઆરી 2019માં સીમાડા વિસ્તારમાંથી કિરીટ મનજી વિરડીયાની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાના ગુનામાં સરથાણા પોલીસે હત્યારા અનિલ ઉર્ફે ભાણો ગોવિંદ વાઘાણીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. અનિલ તા. 19 થી 18 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસના વચગાળાના જામીન પર જેલમાંથી છૂટ્યો હતો. પરંતુ ત્યાર બાદ તે પુનઃ લાજપોર જેલમાં હાજર ન્હોતો થયો. આ દરમિયાન અનિલની પત્ની પરિતા વાઘાણીએ અનિલને ડેન્ગ્યૂ અને કમળાની બીમારી હોવાથી વચગાળાના જામીનની મુદ્દત લંબાવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં અનિલની સારવાર કરનાર લિંબાયતના સાંઇ દર્શન ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડૉ. રાજેશ રામકિશોર યાદવનું સર્ટિફિકેટ અને મારૂતિ ક્લિનિકનો લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યો હોવાથી હાઇકોર્ટ દ્વારા આ અંગે સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું. તપાસમાં સાંઇ દર્શન ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડૉ. યાદવની પૂછપરછમાં સર્ટિફિકેટ તેમણે આપ્યાનું પરંતુ સારવારના કોઇ પુરાવા આપી શક્યો નહોતો, આટલે થી અટકતું ના હોય તેમ પોલીસે વિશેષ છાનબીન કરી તો ક્લિનિકમાં દર્દીના નામ-સરનામા અને ફી અંગેનું રજીસ્ટર હોય છે, પરંતુ તેમાં અનિલ વાઘાણીનું ક્યાંય નામ જોવા મળ્યું ન હતું. જેથી તો 5 એપ્રિલના રોજ જે સર્ટિફિકેટ લખી આપ્યું હતું તે માત્ર રૂ. 2 હજાર લઇને લખી આપ્યાની ડૉ. યાદવે કબૂલાત કરી હતી. જે ક્લિનિકલ લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેવી લેબોરેટરી પણ અસ્તિત્વમાં નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી આ અંગે પોલીસે બોગસ મેડિકલ સર્ટિફિકેટ લખી આપનાર ડૉ. યાદવ અને વાઘાણી દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. લિંબાયત પોલીસે આ ગુનામાં ડૉ. રાજેશ રામકિશોર યાદવની ધરપકડ કરી છે.