Mysamachar.in-અમદાવાદઃ
ડોક્ટર ઇશ્વરનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ એક એવી ઘટના બની જેનાથી ડોક્ટરોમાં રોષની લાગણી પ્રવર્તી શકે છે. અમદાવાદમાં આવેલી નવકાર હોસ્પિટલના ડોક્ટરનું પાંચ જેટલા શખ્સોએ ફિલ્મીઢબે કારમાં અપહરણ કર્યું હતું ત્યારબાદ કારમાં જ દર્દીનું મોત બેદરકારીથી થયાની કબૂલાત કરાવતો વીડિયો બનાવ્યો હતો. ઘટના એવી બની કે નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ વધુ બ્લિડિંગ થવાને કારણે રૂકસારબાનુને VS હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું જેથી નારાજ કેટલાક શખ્સો દ્વારા નવકાર હોસ્પિટલ બહાર તોડફોડ પણ કરવામાં આવી હતી.
ઘટનાબાદ નવકાર હોસ્પિટલના ડૉક્ટર કલ્પેશ નકુમનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતાં ડૉ નકુમની બેદરકારીથી જ મોત થયું હોવાના આક્ષેપ સાથે કારમાં અપહરણ કરી વટવા તરફ લઈ ગયા હતા. કારમાં અપહરણકારોએ ડૉ નકુમ પાસે પોતાની જ બેદરકારીથી મહિલા દર્દીનું મોત થયું હોવાની કબૂલાત કરાવતા ત્રણ વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ ડૉ નકુમને છોડી અપહરણકારો નાસી છૂટ્યા હતા. આ મામલે એલિસબ્રિજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 7 આરોપીની શોધખોળ હાથ ધરી છે.