Mysamacharin-સુરત
રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એક બહેને પોતાની માતા અને નાની બહેનને ઝેરી ઇન્જેક્શન આપી પોતે પણ ઊંઘની દવા લઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને એક ટીચર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરતના ચીકુવાડી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં આ બનાવ સામે આવ્યો છે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડોક્ટર દીકરીએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જ્યારે દીકરી દર્શના સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યાનુસાર ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા અને બહેન તેમની પર ડિપેન્ડન્ટ અને લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા. પરંતુ ત્રણ દિવસથી ભાઈ-ભાભી બહાર હતા. જેથી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું. ડોક્ટર દીકરી દર્શનાએ માતા અને બહેનને ઝેરી દવા સાથેનું ઈન્જેક્શન આપી પોતે ઉંઘની ગોળીઓ પીધી હતી.
આ બનાવમાં 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે ટીચર હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આ બનાવ બન્યો તેની તપાસ કરી રહ્યા છે, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ડો. દર્શનાએ બહેન- માતાને ઇંજેક્શન આપી હત્યા કરી હતી. ત્યાર બાદ પોતે ગોળીઓ ખાઈ આપઘાતની કોશિશ કરી હતી. તેણીએ સુસાઈડ નોટ પણ લખી હતી. હાલ કિરણ હોસ્પિટલમાં ડાઈંગ ડિક્લેરેશનમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું કે
હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું કે મારા વગર મારી માતા-બહેનનું શું થશે.તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે 12:30 વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની 27 ગોળી ખાઈ લીધી હતી.તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે?