Mysamachar.in-જામનગરઃ
21મી સદી એટલે ટેક્નોલોજીનો જમાનો, સવા સો કરોડની વસ્તી ધરાવતા ભારત દેશનું યુવાધન મોબાઇલના એવા રવાડે ચડી ગયું છે કે તેમાંથી બહાર આવવું લગભગ મુશ્કેલ થશે. આજનું બાળક ગાર્ડનમાં રમવાને બદલે મોબાઇલ લઇને રમવાનું વધારે પસંદ કરે છે. પરંતુ મોબાઇલની લત ગંભીર બીમારીને આમંત્રણ આપી રહી છે. જો તમારા બાળકમાં કેટલી આદત નજરે પડે તો માની લેવું કે તે મેદસ્વીતાની બીમારીમાં ઝકળાઇ શકે છે. આવું એટલા માટે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં અંદાજે 1.44 કરોડ બાળકો મેદસ્વિતાથી પીડિત છે. ચીન બાદ ભારતમાં સૌથી વધુ મેદસ્વિ બાળકો છે.
સામાન્ય રીતે મેદસ્વિતાનું મોટું લક્ષણ વજન વધવું હોય છે. જો બાળકની ઉંચાઇ ન વધે અને માત્ર વજન જ વધ્યા કરે તો સમજવું કે તમારું બાળક મેદસ્વીતાનો શિકાર થઇ રહ્યું છે. મેદસ્વિતા પાછળ મુખ્ય કારણ ખોરાક અને શારીરિક પ્રવૃતિ વચ્ચેનું અસંતુલન છે. આજના યુગના બાળકોને મોબાઇલની લત લાગી ગઇ છે, જેના કારણે રાતે મોડે સુધી મોબાઇલ વાપરી રહ્યાં છે જેની સીધી અસર તેમની ઉંઘ પર પડી છે. અપૂરતી ઉંઘને કારણે પાંચ વર્ષની અંદ બાળક મેદસ્વિતાનો શિકાર થઇ શકે છે.