Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓનો આતંક વધી રહ્યો છે. અવનવી મોડેસ ઓપરેન્ડીથી ગઠીયાઓ લોકો પાસે પૈસા પડાવી રહ્યા છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અપડેટ કરી લિમિટ વધારી આપવાની લાલચ આપીને ઠગાઈનો તાજેતરમાં જ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબ પણ છેતરપીંડીનો ભોગ બની ચુક્યા છે, સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી તબીબ તરીકે કામ કરતા એક તબીબને 11 મી જુલાઇ ના દિવસે લાયબ્રેરી માં વાંચન કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પણ પૂજા શર્મા નામની એક યુવતીનો ફોન આવ્યો હતો, જે એક્સિસ બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપીને ફરિયાદી નું ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાનું હોવાનુ કહી ને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડની તમામ હકીકત જણાવી હતી.
યુવતી એ કાર્ડની તમામ હકીકત જણાવતા ફરિયાદીને વિશ્વાસ આવ્યો હતો કે તેઓ આ એક્સિસ બેંક માંથી જ બોલી રહ્યા છે. જ્યારે આરોપી યુવતી એ ફરિયાદી ને તેમના ક્રેડિટ કાર્ડ ની લિમિટ 2.5 લાખ થી વધારી ને 3.5 લાખ કરવાની લાલચ આપી ને ફરિયાદીના મોબાઈલમાં આવેલ પિન નંબર માંગ્યો હતો. જે ફરિયાદી એ આપતા જ તેના ખાતા માંથી રૂપિયા 35350 ઉપડી ગયા હતા. જ્યારે આરોપી એ બીજા કાર્ડ ની વિગતો માંગતા ફરિયાદી એ તે વિગતો આપી ના હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી બીજા 40400 ઉપડી ગયા હતા, જે બાદ પોતે છેતરપીંડીનો ભોગ બન્યાનું લાગતા તેને પોલીસની મદદ માંગતા પોલીસે આ સાઈબર ક્રાઈમ અંગે તપાસ હાથ ધરી છે.