Mysamachar.in-ગાંધીનગર
રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સત્રમાં પ્રશ્નોતરીકાળમાં વિવિધ મુદ્દાઓની રસપ્રદ માહિતીઓ જવાબોમાં સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે આવો જ એક મુદ્દો સામે આવ્યો જેમાં રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન અને હેલિકોપ્ટરનાં મેન્ટેનન્સ, પાઇલટ અને અન્ય સ્ટાફ પાછળ બે વર્ષમાં 23.69 કરોડનો ખર્ચ કરાયો હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ પ્લેન માટે વર્ષ 2019માં 3.59 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જ્યારે વર્ષ 2020માં 13.31 કરોડનો ખર્ચ થયો હતો.
પ્લેનના મેન્ટેનન્સમાં એક જ વર્ષમાં ચાર ગણાથી પણ વધુ વધારો થયો હતો. હેલિકોપ્ટર પાછળ વર્ષ 2019માં 3.41 કરોડ જ્યારે 2020માં 3.36 કરોડ મળી બે વર્ષમાં 6.78 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે ગુજરાતની પ્રજા મોંઘવારી, મંદી અને બેરોજગારીનો સામનો કરી રહી છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં કારખાનાં બંધ થઈ જતા યુવાનોની નોકરી જતી રહી છે ત્યારે જનતાને વીજ બિલમાં, શિક્ષણ ફીમાં રાહત આપવાને બદલે માસ્કના નામે કરોડો રૂપિયાનો દંડ પ્રજાના ખિસ્સામાંથી ખંખેરી લેવામાં આવ્યો હોવાનો કટાક્ષ પણ તેવોએ વ્યક્ત કર્યો હતો.