Mysamachar.in-જૂનાગઢઃ
છેલ્લા 49 વર્ષથી યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો છે. વર્ષ 1971થી સતત 49 વર્ષ સુધી યોજાતી આ સ્પર્ધાને આ વખતે નવુ સ્વરૂપ અપાઇ રહ્યું છે. જેમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું વિભાજન કરી રાજ્યના અન્ય જિલ્લા રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ, સાબરકાંઠામાં પણ યોજાવાનું નક્કી કરાયું છે. આ જિલ્લામાં આવેલા ચોટીલા, ઓસમ, પાવાગઢ, ઇટર અને શેત્રુંજય પર્વત પર પણ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જૂનાગઢની જેમ જ અન્ય સ્થળે પણ આ સ્પર્ધા યોજાશે. ગિરનાર કરતાં અન્ય પર્વત પર ઓછા પગથિયા હોવાને કારણે માત્ર જૂનિયર સ્પર્ધકો જ ભાગ લઇ શકશે.
નવતર પ્રયોગને લઇને વિવિધ જિલ્લાના અધિકારીઓને સ્પર્ધાનું આયોજન કેમ કરવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. રાજ્યભરમાંથી કોઇ પણ સ્પર્ધક 6 જિલ્લાના કોઇ પણ પર્વતની આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જો કે, એક સ્પર્ધક બે વાર ભાગ લઇ શકશે નહી. સામાન્ય રીતે ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવા આવતા યુવાનોને ભાડાના પૈસા આપવામાં આવતા નથી, જેથી નજીકના જિલ્લામાં જ આવી સ્પર્ધાનું આયોજન થશે તો તેઓને સીધો લાભ થશે. વર્ષોથી યોજાતી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ હર્ષભેર જોડાઇ રહ્યાં છે, આ વખતે પણ મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાશે તેવું રાજ્યના રમત-ગમત વિભાગનું માનવું છે.