Mysamachar.in-જામનગર:
મુખ્યમંત્રી અને કલેક્ટરો તથા શહેરોના મ્યુ. કમિશનરો તથા મેયરો સાથે ઘણી વખત બેઠકો થતી હોય છે. જિલ્લાઓના પંચાયત પ્રમુખો સાથે ક્યારેક જ બેઠક યોજાતી હોય છે. તાજેતરમાં જો કે CMએ આવી એક બેઠક પંચાયતોના પ્રમુખો સાથે યોજી. બેઠકમાં પ્રમુખોએ વધારાની ગ્રાન્ટની માંગ કરી છે.
પાટનગર ગાંધીનગર ખાતે, તાજેતરમાં પંચાયત પ્રદેશ પરિષદની રજૂઆતના અનુસંધાને મુખ્યમંત્રીએ પંચાયતમંત્રીની હાજરીમાં રાજ્યના તમામ પંચાયત પ્રમુખો સાથે એક બેઠક યોજી. જેમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈએ સ્વાગત પ્રવચન અને બેઠકનું સંચાલન પરિષદના માનદ્ મંત્રી ભરત ગાજીપરાએ કર્યું હતું. આ બેઠકમાં પરિષદે જણાવ્યું કે, જિલ્લા પંચાયતોના વિકાસ અને વહીવટની ફાઈલો જિલ્લા પંચાયત પ્રમુખના ટેબલે મોકલવામાં આવતી નથી, જેથી જિલ્લાકક્ષાએ શું કામો ચાલી રહ્યા છે તેની માહિતીઓ પ્રમુખોને મળતી નથી. આ તમામ ફાઈલો પ્રમુખના ટેબલ પર રૂટ થવી જોઈએ.
આ બેઠક અંગે Mysamachar.in દ્વારા જામનગર જિલ્લા પંચાયત પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં વિકાસને વેગવંત બનાવવા અપીલ અને સૂચનો કર્યા. આ ઉપરાંત પ્રમુખો વતી પરિષદે એવી માંગ કરી કે, સાંસદ અને ધારાસભ્યોને જે વ્યક્તિગત વધારાની ગ્રાન્ટ આપવામાં આવે છે તે રીતે જિલ્લા પંચાયત પ્રમુખોને પણ એમના મતવિસ્તારમાં વિકાસકામો માટે વ્યક્તિગત રીતે રૂ. 50 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ બેઠકમાં પરિષદે એમ પણ રજૂઆત કરી કે, જિલ્લાકક્ષાએ વિકાસ અને વહીવટમાં ગતિશીલતા લાવવા કેટલીક બાબતો પર ભાર મૂકાવો જોઈએ. પરિષદે આ માટે સૂચનો પણ કર્યા. પરિષદે એમ પણ કહ્યું કે, જિલ્લાકક્ષાએ પ્રમુખોનું યોગ્ય સન્માન જળવાવું જરૂરી છે. ગ્રામ પંચાયતોને સોલાર રૂફટોપ આપવા માંગ થઇ, ગ્રામસભાઓમાં ન ઉકેલાતા પ્રશ્નોના નિવારણ માટે ગ્રામસભાને મજબૂતી આપવાનો મુદ્દો પણ ઉઠ્યો. આ ઉપરાંત જિલ્લા અને તાલુકાઓના પ્રમુખો દર મંગળવારે નિયત સમયે મુખ્યમંત્રીની મુલાકાત લઈ શકે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ પરિષદ તરફથી સૂચન થયું.