Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારનાં મહેસૂલ વિભાગ દ્વારા 2015 ની સાલમાં ખાસ ઠરાવ-પરિપત્રના આધારે, જામનગર સહિત રાજ્યભરમાં તમામ જિલ્લાઓ માટે ગૌચર સુધારણા અને વ્યવસ્થાપન માટે નીતિ ઘડી કાઢવામાં આવી હતી. અને, જુદાં જુદાં કાયદા-એકટની કલમો હેઠળ આ તમામ કામગીરી જે-તે જિલ્લામાં કલેક્ટરને સોંપવામાં આવી હતી. બાદમાં, કલેકટર કચેરી આ કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારી અને જિલ્લા પંચાયતની પંચાયત શાખા તથા તાલુકા વિકાસ અધિકારી હસ્તક આ સમગ્ર યોજનાનાં અમલીકરણ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવું જે-તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું.ગૌચર જમીન સુધારણા અને વ્યવસ્થાપન માટેની આ યોજના અંતર્ગત જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણી પ્રક્રિયા દરમિયાન ગૌચર જમીન સુધારણા માટે રિવોલવીગ ફંડ એકત્ર કરવાની પણ સૂચનાઓ પરિપત્રના માધ્યમથી આપવામાં આવી હતી.
આ ઉપરાંત એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સંબંધિત ગ્રામ પંચાયત હસ્તક ગૌચર જમીન સુધારણા કામગીરી કરતી વખતે રૂ. 50 લાખથી નીચેનાં કામો માટે તાલુકા કક્ષાએ ગૌચર જમીન સુધારણા સમિતિ ભલામણ કરે અને દેખરેખ રાખે તથા રૂ. 50 લાખથી રૂ. 1 કરોડનાં કામો માટે જિલ્લા કક્ષાએ સમિતિ દ્વારા કામગીરી કરવામાં આવે. સૌથી નવાઈની વાત એ છે કે, સાત વર્ષ પહેલાં જાહેર થયેલી આ યોજના અંગે જામનગરની જિલ્લા પંચાયત સાવ અજાણ છે !
માય સમાચાર ડોટ ઈન દ્વારા આ મુદ્દે રેકર્ડ પરની વાસ્તવિકતા તપાસવા માટે જામનગર જિલ્લા પંચાયતની મહેસૂલ શાખા તથા પંચાયત શાખા બંનેનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બંને શાખાઓ ગૌચર જમીન સુધારણા અને વ્યવસ્થાપન યોજના અંગે અજાણ છે ! આ અંગે જિલ્લા પંચાયતનાં પંચાયત વિભાગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રિતેશ ગોહિલનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી છે અને પંચાયત વિભાગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો વધારાનો ચાર્જ તેઓને હજુ હમણાં જ આપવામાં આવ્યો હોય આ અંગે પોતે અજાણ હોવાનું તેઓએ નિખાલસતાથી સ્વીકાર્યું હતું. ખૂબી એ છે કે, જિલ્લા પંચાયતની બે મહત્વની શાખાઓ – મહેસૂલ શાખા તથા પંચાયત શાખા સરકારની આ વર્ષો જૂની યોજના અંગે સંપૂર્ણ અજાણ છે !!
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં ગૌચર જમીન સુધારણા કામગીરી દરમિયાન સ્થાનિક સરપંચો અને તલાટીઓ દ્વારા કામોમાં ગેરરીતિઓ થતી હોવાની રજૂઆતો જિલ્લા પંચાયતમાં પણ સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ થતી રહેતી હોય છે.






