Mysamachar.in:જામનગર
ગ્રાઉન્ડ લેવલે શું સ્થિતિઓ છે તેની સમીક્ષાઓ ખુદ જીલ્લા સમાહર્તા કરે તો તેનાથી ખુબ મોટો ફરક પડતો હોય છે, સરકારની છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ જીવન સતત ધબકતું રહે તે માટે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી તેવો અલગ અલગ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં જાત તપાસ અને સમીક્ષાઓ કરતા રહે છે અને તેના ઉજળા પરિણામો પણ મળી રહ્યા છે.
કલેકટર કેતન ઠક્કરે લાલપુર તાલુકાના પ્રવાસ દરમિયાન કાનાવિરડી ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત રેકોર્ડની ચકાસણી કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી આરોગ્ય કેન્દ્ર, શાળા, અને ગ્રામ પંચાયત કચેરીની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. તેમજ ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈ તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
કલેક્ટર દ્વારા ગામમાં આવેલ શાળાની પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં તેઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેઓના અભ્યાસ બાબતે માહિતી મેળવી હતી. તેમજ શાળાની કોઈ જરૂરિયાતો હોય તો તે અંગે શિક્ષકો સાથે ચર્ચા કરીને બાળકોને અભ્યાસમાં કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કર્યું હતું.
આ ઉપરાંત કલેક્ટરએ પ્રાંત કચેરી લાલપુર ખાતે સમીક્ષા બેઠક યોજી પ્રાંત અધિકારી, મામલતદાર અને કર્મચારીઓ સાથે કામગીરી બાબતે ચર્ચા કરી હતી. તેમજ મહેસૂલી કામગીરીનો નિયમિત અને ત્વરિત નિકાલ કરવા તથા સર્કલ ઓફિસર અને મહેસૂલી તલાટીને નિયમિત સેજાનો પ્રવાસ કરી કામગીરી કરવા માટે સૂચના આપી હતી. આ તકે કલેક્ટર સાથે લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, લાલપુર મામલતદાર એમ.જે.પરમાર, તાલુકા વિકાસ અધિકારી ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.