Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2024/25 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયા દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપી હતી.
આ યોજના અંતર્ગત જુલાઈ-2024 થી સપ્ટેમ્બર-2024 (બીજો હપ્તો વર્ષ2024/25) માટે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ 35 સંસ્થાઓની અરજી મળી હતી.જે પૈકી જિલ્લાકક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1000 થી ઓછી ધરાવતી કુલ 28 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી. જ્યારે 7 સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી.

આમ, જિલ્લામાંથી કુલ 28 સંસ્થાઓના 5867 પશુઓ માટે કુલ 1,61,92,920 રૂપિયાની સહાય મંજૂર કરી ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ,ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક પ્રફુલ મણવર, જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
