Mysamachar.in-જામનગર:
રાજ્યભરના ગરીબોને સરકાર દ્વારા રાહતદરનું અને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની વ્યવસ્થાઓમાં વર્ષના 365 દિવસ એક યા બીજા પ્રકારના ‘લોચા’ ચાલ્યા રાખતાં હોય છે, અવારનવાર દુકાનદારોની હડતાલ જાહેર થતી હોય છે. સરકાર દુકાનદારોની વાત કાને ધરતી ન હોય, વધુ એક વખત સસ્તા અનાજ દુકાનદારોએ સરકાર વિરુદ્ધ હડતાલનું શસ્ત્ર હાથમાં લીધું છે, જો કે આ લડાઈમાં મરો ગરીબોનો થતો હોય છે. એસોસિએશન કે સરકારે આમાં કશું ગુમાવવાનું હોતું નથી.
આજે 1 નવેમ્બરથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજ દુકાનદારોએ સરકારની નીતિના વિરોધમાં હડતાલ જાહેર કરી દીધી. રાજ્યમાં હજારો દુકાન બંધ. 75 લાખથી વધુ ગરીબ પરિવારોને અનાજ વિતરણ બંધ. દુકાનદારોના એસોસિએશને આ હડતાલ અંગે ઘણાં દિવસ અગાઉ જ જાહેરાત કરી દીધી હતી છતાં સરકારે આટલાં દિવસો સુધી આ બાબત પર ધ્યાન આપ્યું નહીં. આજે હવે દુકાનો બંધ રહી અને સરકારને ખુરશી નીચે રેલો આવ્યો ત્યારે છેક, હવે અત્યારે રાજ્યના પૂરવઠા સચિવ એસોસિએશન સાથે બેઠક કરવા દોડ્યા !
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં સસ્તા અનાજની 80 અને જિલ્લામાં 390 દુકાનો છે, જે આજથી બંધ છે. દુકાનદારોએ સરકારી ગોદામમાંથી અનાજ ઉપાડવા સરકારમાં નાણાં જમા કરાવ્યા નથી. ગરીબોને અનાજ વિતરણ કરવામાં વિલંબ થશે. હજારો પરિવારો ચિંતાઓમાં મૂકાઈ ગયા છે. આ વખતે એસોસિએશન સરકારને ભીંસમાં લેવા મક્કમ છે, કારણ કે ભૂતકાળમાં સરકારે અનેકવખત એસોસિએશનની રજૂઆતને દાદ આપી નથી. એસોસિએશન પોતાની પડતર માંગોનો ઉકેલ ઈચ્છે છે. સરકાર પોતાની ‘ચાલ’માં વ્યસ્ત છે. બીજી તરફ સરકાર તરફથી એવો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે, ગુજરાતની અનાજ વિતરણની જાહેર વ્યવસ્થાઓ દેશમાં સૌથી શ્રેષ્ઠ છે. સાચું કોણ ? આ પ્રશ્ન સપાટી પર ચર્ચાઓમાં ગાજે છે.


