Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં શિક્ષણને બિઝનેસ પણ કહેવામાં આવે છે અને ઉદ્યોગ પણ લેખવામાં આવે છે. આ વ્યવસાય અતિ ફળદ્રુપ હોય, નવી નવી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થતી જ રહે છે, જેને મંજૂરીઓ આપવામાં ‘ખેલ’ થતાં હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, કેમ કે આ મંજૂરી પ્રક્રિયાઓને વિલંબથી પૂર્ણ કરવામાં આવે છે. હાલમાં પણ આ મંજૂરીઓનો મામલો ચર્ચાઓમાં છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગત્ જૂન માસમાં 189 ખાનગી હાઈસ્કૂલને મંજૂરીઓ આપવામાં આવી. આ મંજૂરીઓ ગાંધીનગરથી આપવામાં આવી છે. આ મંજૂરીઓ કામચલાઉ શ્રેણીમાં આવે છે. શિક્ષણ બોર્ડની વ્યવસ્થાઓ એવી છે કે, રાજ્યકક્ષાએથી આ રીતે કામચલાઉ મંજૂરીઓ અપાયા બાદ જેતે શૈક્ષણિક સંસ્થા સંબંધિત જરૂરી બાબતોનું વેરીફિકેશન જિલ્લાકક્ષાએ કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાકક્ષાએથી આ સંસ્થાને કાયમી મંજૂરી આપવામાં આવે છે.
હાલમાં આવી 189 ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ કાયમી મંજૂરીની રાહ જોઈ રહી છે. જૂન મહિનામાં શૈક્ષણિક સત્ર શરૂ થયું તે વાતને 3 મહિનાઓ વીતી ગયા, અડધું શૈક્ષણિક સત્ર પૂર્ણ થઈ ગયું. હજુ આ શૈક્ષણિક સંસ્થાઓને જિલ્લાકક્ષાએથી કાયમી મંજૂરીઓ મળી ન હોય, વિચિત્ર સ્થિતિઓ ઉભી થઈ છે. દરમિયાન, એવી પણ ચર્ચાઓ છે કે- ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જિલ્લાકક્ષાએથી કાયમી મંજૂરીઓ આપવામાં ‘ખેલ’ પણ થતાં હોય છે.
-આવું પણ જાણવા મળે છે…
ગાંધીનગર સ્થિત સૂત્રના જણાવ્યા અનુસાર, થોડાં સપ્તાહો અગાઉ શિક્ષણ વિભાગના અધિકારીઓ માટે તાલીમનો એક કાર્યક્રમ હતો. તે સમયે જિલ્લાના શિક્ષણ વિભાગોને એવી મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી કે, કામચલાઉ મંજૂરીઓ મેળવેલી શૈક્ષણિક સંસ્થાઓનું જિલ્લાકક્ષાએ વેરીફિકેશન કરવા માટે સંબંધિત અધિકારીએ પોતાના જિલ્લામાં નહીં પરંતુ બાજુના અન્ય જિલ્લાની સંસ્થાઓનું વેરીફિકેશન કરવાનું રહેશે. તાલીમમાં આ પ્રકારની મૌખિક સૂચનાઓ પછી, હજુ સુધી આ પ્રકારના વેરીફિકેશનની કોઈ સ્પષ્ટ સૂચનાઓ લેખિતમાં સંબંધિત કચેરીઓને આપવામાં આવી ન હોય, આખો મામલો મહિનાઓથી પડતર હોવાનું જાણવા મળેલ છે.(symbolic image source:google)