Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની એક શાળાના 3 શિક્ષકોની એકસાથે બદલીઓ થતાં અને આ શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાંઓ પણ લેવામાં આવતાં, શહેરના શિક્ષણજગતમાં ચકચાર મચી છે. જામનગરમાં લાંબા સમય બાદ સમિતિમાં આ પ્રકારની આકરી કાર્યવાહીઓ થઈ છે.
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 29 શહેરના પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલી છે. આ શાળાના શિક્ષક શૈલેષ ટી. સીમરીયા, પ્રીતિબેન વી. ડાભી અને દીપ્તિબેન બી. પરમારની બદલીઓના આદેશ થયા છે. આ આદેશ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ દ્વારા, ગાંધીનગરની સૂચનાને આધારે કરવામાં આવ્યા છે.
કચેરી આદેશમાં જણાવાયું છે કે, આ શાળાના આચાર્ય તથા વાલીઓ તરફથી મળેલી ફરિયાદોના આધારે આ બદલીઓ થઈ છે. બદલીઓ પામેલા આ 3 શિક્ષકો પૈકી શૈલેષ સીમરીયાને શાળા નંબર 26 માં, પ્રીતિ ડાભીને શાળા નંબર 38 માં અને દીપ્તિ પરમારને શાળા નંબર 22 માં મૂકવામાં આવ્યા છે. આ સાથે શિક્ષાત્મક પગલાંઓના ભાગરૂપે ત્રણેય બદલીઓ પામેલા શિક્ષકોના જૂલાઈ-2025ના ઈજાફા ભવિષ્યની અસરથી અટકાવવામાં આવ્યા છે.
-શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ જણાવ્યું કે…
અત્રે ઉલ્લેખનિય છે કે, આ શાળા લાંબા સમયથી ચર્ચાઓમાં છે, અહીં અવારનવાર વિવાદો થતાં રહે છે અને સૂત્રમાંથી મળતી વિગતો અનુસાર આ શાળાના આચાર્ય પણ વિવાદી હોવાની છાપ ધરાવે છે, આચાર્ય દ્વારા શિક્ષકોને કથિત રીતે ત્રાસ આપવામાં આવતો હતો એવી પણ ચર્ચાઓ છે. આથી આ સંબંધે Mysamachar.in દ્વારા આ શાળાવિવાદ અંગે સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.
શાસનાધિકારીએ વાતચીતમાં જણાવ્યું છે કે, હા આ શાળાના આચાર્ય વિરુદ્ધ પણ ફરિયાદો છે. એમના વિરુદ્ધ એવી ફરિયાદો છે કે, તેઓ આચાર્યને છાજે એવું વર્તન ધરાવતાં નથી. આચાર્યની ચોક્કસ પ્રકારની ભૂમિકાને કારણે આ શાળામાં ખાસ કરીને સ્ટાફમાં ઝઘડાનું વાતાવરણ રહેતું હોવાની છાપ ઉભી થઈ છે અને તેની અસરો શિક્ષણ પર પડી રહી છે. આથી આ આચાર્ય વિરુદ્ધ પણ કાર્યવાહીઓ કરવા સંબંધે જરૂરી કાગળો તૈયાર કરી લેવામાં આવ્યા છે અને આચાર્ય સંબંધિત ફાઇલ સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે અને ગાંધીનગરથી સૂચનાઓ આવ્યે આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.