Mysamachar.in-અમદાવાદ:
આંકડાઓ દ્વારા એક કરતાં વધુ વખત જાહેર થયું છે કે, ગુજરાતમાં લોકોના ‘દિલ’ પર જોખમ વધી રહ્યું છે, કેસ પણ વધી રહ્યા છે અને હ્રદય સંબંધિત દવાઓનું વેચાણ પણ વધી રહ્યું છે- લોકોના હ્રદયની તકલીફો માટે દોડતી રહેતી 108 એમ્બ્યુલન્સની આ દોડધામ પણ વધી રહી છે- આ બધી જ નિશાની લાલબતી છે. ગુજરાતીઓએ પોતાના દિલનો ખયાલ રાખવા વિશેષ કાળજી દેખાડવી પડશે.
રાજ્યમાં કાર્યરત 108 એમ્બ્યુલન્સને 2023ના ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન હ્રદય સંબંધિત તકલીફો માટે જે કોલ મળેલા, તેની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબર નવેમ્બર દરમિયાન 13 ટકા વધુ કોલ પ્રાપ્ત થયા, જે દર્શાવે છે કે, લોકોના હ્રદય પર જોખમ વધી રહ્યા છે. સમૃધ્ધ ગુજરાતમાં હોસ્પિટલોની સંખ્યા કૂદકે ભૂસકે વધી રહી છે- જે દર્શાવે છે કે ગુજરાતીઓ સુખી છે પણ ખુશ નથી.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/My-Samachar-Social-Media-2024-2.jpg)
2020-21 ના કોરોના બાદ લોકોના હ્રદય અને ફેફસા વધુ નબળા સાબિત થઈ રહ્યા છે. શ્વસનતંત્ર સંબંધિત બિમારીઓમાં તો 38 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં ઓક્ટોબર નવેમ્બર દરમિયાન શ્વાસ સંબંધિત 23,140 કેસ નોંધાયા. જે આંકડો બહુ મોટો કહી શકાય.
સમાજમાં શરાબનું વધતું ચલણ, અનિયમિત જિવનશૈલી, કસરતનો અભાવ, અપૂરતી ઉંઘ, તણાવ, ખાનપાનની ખોટી આદતો અને સ્મોકિંગ સહિતના વિવિધ કારણોસર વધુ ને વધુ લોકો હ્રદય તથા શ્વસનતંત્ર સંબંધિત રોગોનો વધુ ને વધુ શિકાર બની રહ્યા છે. ડાંગ જિલ્લામાં આ પ્રકારના દૂષણોનું પ્રમાણ ઓછું હોય, ત્યાં આવી ફરિયાદો ઓછી છે. બાકીના તમામ જિલ્લામાં ખાસ કરીને શહેરોમાં તકલીફો વધી રહી છે.