Mysamachar.in-ગાંધીનગર:
વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે, દેશનો એક એક માણસ વધુને વધુ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરે અને દુનિયા સાથે તાલ મિલાવે. આ જ કારણસર ગુજરાતની વિધાનસભાની કાર્યવાહીઓ ડિજિટલ કરવા ધારાસભ્યોને બબ્બે ટેબલેટ પણ આપવામાં આવ્યા, આમ છતાં કેટલાંક ધારાસભ્યો આજની તારીખે કાગળો પર ‘ચિતરામણ’ કરે છે. હાથેથી કાગળ પર લખી પ્રશ્ન પૂછે છે.
સૂત્ર અનુસાર, કેટલાંક ધારાસભ્ય વિધાનસભામાં જે પ્રશ્ન પૂછે છે તે ટેબલેટ મારફતે નથી પૂછતા, કાગળમાં ટાઈપ કરીને પ્રશ્ન નથી પૂછતા, કાગળ પર હાથે લખી પ્રશ્ન પૂછે છે. કેટલાંક ધારાસભ્ય જાતે પ્રશ્ન નથી પૂછતા, પક્ષના કાર્યાલય મારફતે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રકારના ધારાસભ્યોમાં સતાપક્ષ અને પ્રતિપક્ષ બંનેના નેતાઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ધારાસભ્યોને તથા રાજ્યોની વિધાનસભાઓને ડિજિટલ બનાવવા કેન્દ્ર સરકાર NeVA નામની યોજના ચલાવે છે. જેનું આખું નામ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન છે. આ એક પ્રકારની ડિજિટલ પહેલ છે. જેના માધ્યમથી સંસદ અને વિધાનસભાઓને પેપરલેસ અને ડિજિટલ બનાવવાનો આશય છે. આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે.
વિધાનસભા પેપરલેસ બનાવવા ધારાસભ્યોને એક ટેબલેટ વિધાનસભામાં આપવામાં આવે છે અને એક હેન્ડ પિક આપવામાં આવેલ છે. આમ છતાં કેટલાંક ધારાસભ્યો હજુ હાથેથી કાગળ પર પ્રશ્નો લખી વિધાનસભામાં આપે છે. વર્ષ 2023ના ચોમાસુ વિધાનસભા સત્રથી આ ડિજિટાઈઝેશન શરૂ થયું જે હજુ કાર્યરત બની શક્યું નથી. જો કે આમ છતાં વિધાનસભા દ્વારા ધારાસભ્યો પ્રત્યે કોઈ કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું નથી. ટેબલેટનો ઉપયોગ કરવા બાબતે કોઈ નવી સૂચનાઓ આપવામાં આવી નથી.(પ્રતીકાત્મક તસ્વીર)