Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યની સરકારી કચેરીઓમાં ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓ ગુટલીબાજ હોય છે, ઘણાં મોડા આવી વહેલા જતાં રહેતા હોય છે, આ પ્રકારની ફરિયાદો અને રજૂઆતો લોકો તરફથી મળતા સરકારે બધાં કર્મચારીઓની ડિજિટલ હાજરી નોંધવાની વ્યવસ્થાઓ શરૂ કરવા તૈયારીઓ આરંભી તો અધિકારીઓ અને કર્મચારીઓમાં આ બાબતે વિરોધ તથા રોષ ઉઠ્યો.
સરકાર પહેલી ફેબ્રુઆરીથી દરેક સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર પર ડિજિટલ દેખરેખ ઈચ્છે છે. આ માટે સરકારે ‘દાસ’ એટલે કે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી. કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ ઓફિસમાં આવે કે બહાર જાય- તેની તમામ વિગતો આ સિસ્ટમમાં નોંધાઈ જશે. આ સિસ્ટમથી ગુટલીબાજી બંધ થઈ જશે.
જો કે, અધિકારીઓ અને કર્મચારીઓ આ ‘દાસ’ નો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સચિવાલય સ્ટાફ એસોસિએશનથી માંડીને રાજ્ય કર્મચારી મહામંડળ-બધાં જ વિરોધમાં છે. રોષ અને નારાજગીઓ વ્યક્ત કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે, સરકાર આ રીતે અમારાં પર સર્વેલન્સ ગોઠવવા ચાહે છે. અમારી પ્રાયવસી, અંગત વપરાશના સ્માર્ટ ફોનના ડેટાની સુરક્ષા સામે જોખમ ઉભું થયું છે.
કર્મચારીઓ કહે છે: આવી ક્ષણેક્ષણની લોકેશન મેળવતી કોઈ પણ પ્રકારની સિસ્ટમથી હાજરી મેળવવાનો પ્રયાસ સ્વીકારી શકાય એમ નથી. મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને પત્રો લખી કર્મચારીઓએ ‘દાસ’ બાબતે વિરોધ વ્યક્ત કર્યો છે. કર્મચારીઓ કહે છે: અમે સાંજે મોડે સુધી ઓફિસમાં હાજર રહી કામ કરીએ છીએ. ત્યારે સરકારના આવા એકતરફી નિર્ણય કર્મચારીઓના નૈતિક મનોબળને નબળું પાડે છે. સરકારે આ બાબતે અમારી સાથે જરૂરી સંવાદ કર્યો નથી. સરકારે આ નિર્ણયની ફરીથી સમીક્ષા કરવી જોઈએ અને હાજરીની હાલની વ્યવસ્થાઓ યથાવત્ રાખવી જોઈએ. કર્મચારીઓ કહે છે: નવી સિસ્ટમ અપ્રસ્તુત, બિનતાર્કિક અને જાહેર નાણાંના બિનજરૂરી વ્યય સમાન છે. જૂની પ્રથા ચાલુ રાખવી જોઈએ.(file image)