Mysamachar.in-રાજકોટ:
ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટ એવા શબ્દો ગૂંજી રહ્યા છે. ખુદ વડાપ્રધાન પણ આટલી વ્યસ્તતાઓ વચ્ચે ડિજિટલ એરેસ્ટ વિષે બોલી રહ્યા છે ! ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે. લોકો સાથે લાખો, કરોડોની છેતરપિંડીઓ થઈ રહી છે, એવું ફરિયાદોમાં લખાવવામાં આવી રહ્યું છે. ડિજિટલ એરેસ્ટના મામલાનો એક સેમ્પલ વીડિયો પણ તાજેતરમાં વાયરલ કરવામાં આવ્યો. આ પ્રકારના ઉહાપોહ વચ્ચે, લોકો હવે જાતજાતની શંકાકુશંકાઓ કરી રહ્યા છે કે, આ પ્રકારના મામલાઓમાં સાચું શું હોય છે ? સાચું હોય છે ?!
આ પ્રકારનો ડિજિટલ એરેસ્ટનો વધુ એક મામલો રાજકોટથી જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદી એમ કહે છે કે, તેની પાસેથી ડિજિટલ એરેસ્ટના નામે કોઈ અજાણ્યા શખ્સોએ રૂ. 56 લાખ પડાવી લીધાં. (લોકો આવા પ્રકરણોમાં શંકાઓ એ કરે છે કે, કોઈ આવી રીતે, આટલી મોટી રકમો, અજાણ લોકોને આપે ખરા ?! શા માટે આપે ?! ફરિયાદીને શેનો ડર હોય છે ?! ફરિયાદીનો પગ કુંડાળાઓમાં હોય છે ? નાણાં ટ્રાન્સફર કરતાં અગાઉ આવા ફરિયાદી પોલીસનો સંપર્ક શા માટે નથી સાધતાં ? લૂંટાઈ જાય ત્યાં સુધી, બધું ગુપ્ત રીતે શા માટે ચાલતું હોય છે ?! અને પછી, ગામ ગજાવવામાં આવે છે, કેમ ?!)
રાજકોટની આ FIR ની વિગતો આ મુજબ છે. ફરિયાદી મહેન્દ્ર અંદરજીભાઈ મહેતા નિવૃત બેંક મેનેજર છે (અંગૂઠાછાપ નથી). તે કહે છે, સાયબર ગઠિયાઓએ તેમની પાસેથી રૂ. 56 લાખ ડરાવી ધમકાવીને ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં. ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલાં. ED અને RBI ના નામે ધમકાવવામાં આવ્યા. ઠગાઈના એક મામલામાં ફરિયાદીની સંડોવણી ખૂલી હોવાની ધમકી આપવામાં આવી હતી. (અને ફરિયાદીએ સંડોવણીની આ વાત સાચી પણ માની લીધી ?!)
ફરિયાદી કહે છે: ચાર અજાણ્યા શખ્સોએ આ કાંડ કર્યો. જૂલાઈ મહિનાથી આ કાંડ ચાલતો હતો. આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે, મુંબઇની તિલકનગર પોલીસમાં તમારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમે મની લોન્ડરીંગમાં સંડોવાયેલા છો. તમને વોરંટના આધારે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે.
આ ફરિયાદી રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહે છે અને અગાઉ સુરતમાં પંજાબ બેંકની એક શાખાના મેનેજર હતાં. કેનેરા બેંકમાં તમારૂં એકાઉન્ટ છે, તેમાં અઢી કરોડની જે રકમ છે તે ફ્રોડ સાથે સંબંધિત છે, આમ આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું. નરેશ ગોયલ નામના શખ્સે 247 લોકો સાથે ફ્રોડ કર્યું છે. તેમાં તમારી પણ સંડોવણી ખૂલી છે, આવી ધમકી આરોપીઓએ ફરિયાદીને આપી હોવાનું આ ફરિયાદમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ફરિયાદીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા ફરિયાદીને વોટ્સએપ કોલ થતાં તે દરમિયાન ફરિયાદીના તમામ નાણાંકીય રોકાણોની જાણકારીઓ પણ આરોપીઓએ માંગી હતી અને ફરિયાદીએ આપી પણ દીધી હતી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં આવી ઉપરાઉપરી આ બીજી ફરિયાદ દાખલ થઈ. આ અગાઉ BSNLના એક નિવૃત અધિકારી અશ્વિન તલાટીયાએ ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે, ડિજિટલ એરેસ્ટના નામે એમની પાસેથી સાયબર ગઠિયાઓએ રૂ. એક કરોડની રકમ પડાવી લીધી. (આવી ફરિયાદોનો અતિરેક લોકોને જાતજાતના તર્કવિતર્ક કરવા પ્રેરે છે, એ પણ અત્રે ઉલ્લેખનિય છે).