Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે આજથી દેશભરનાં ભાજપાનાં મેયરોની કાઉન્સિલની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠક ફાઈવસ્ટાર હોટેલ લીલા ખાતે યોજવામાં આવી છે. જેનો પ્રારંભ ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનાં હસ્તે કરવામાં આવ્યો. આ કાઉન્સિલને વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધી હતી જેમાં મેયરોને વિકાસનો મંત્ર આપવા સાથે ઉપયોગી સલાહસૂચનો પણ આપવામાં આવ્યા હતાં. ગાંધીનગર ખાતે મેયર કાઉન્સિલનું આયોજન પ્રથમ વખત થયું. જેમાં વડાપ્રધાને ભાજપાનાં મેયરો સમક્ષ વિકાસનો પ્લાન મૂક્યો હતો.
આ બેઠકને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધતાં વડાપ્રધાને મેયરોને જણાવ્યું હતું કે, આપણે ગાદી પર બેસવા નથી આવ્યા. રાજકારણમાં સત્તામાં માત્ર બેસવા નથી આવ્યા. સતા જવાબદારી છે,સુશાસનના માધ્યમથી આપણે લોકોને વધુ સારી સેવા સુવિધાઓ આપવા માટે અહીં છીએ. સતા માધ્યમ છે, લક્ષ્ય સેવા છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ – એ મંત્રનું તમામ મેયરોએ પાલન કરવું જોઈએ. આવનારી પેઢીઓ આપણને યાદ કરી શકે તે માટે આ મંત્રનું પાલન જરૂરી છે એમ કહી તેઓએ સરદાર પટેલનો ઉલ્લેખ કર્યો હતો. સરદાર પટેલ એક જમાનામાં અમદાવાદ કોર્પોરેશનના મેયર હતાં. તેઓને લોકો આજે પણ તેઓનાં કાર્યો સંબંધે આદરથી યાદ કરે છે. વડાપ્રધાને કહ્યું કે, તમામ મેયરોએ ગ્રાઉન્ડ લેવલે કામ કરવું જોઈએ. લોકોએ આપણાં પર વિશ્વાસ મૂક્યો છે. વિશ્વાસ નિભાવવાની જવાબદારી આપણી, મેયરોની છે.આ ઉપરાંત તેઓએ અમદાવાદ મેટ્રો ટ્રેન સહિતના મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું. હવે સલાહ આપવામાં આવી પણ શેઠની શિખામણ ઝાપા સુધી જ રહે છે કે કેમ..? તે જોવાનું છે.






