Mysamachar.in-અમદાવાદ:
જામનગર જિલ્લાના ધ્રોલના 2 શખ્સ અને 2 યુવતિઓ ઉપરાંત રાજકોટનો એક શખ્સ- એમ કુલ પાંચ સાગરિતો ધરાવતી એક હનીટ્રેપ ગેંગ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી છે. આ ગેંગ દ્વારા 40 વર્ષના એક પુરૂષને ‘શિકાર’ બનાવવામાં આવ્યો હતો. એમ પોલીસે જાહેર કર્યું છે. પોલીસે આ ગેંગ પાસેથી, ગુનામાં મેળવાયેલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર, ધ્રોલની જાનકી ઉપરા(28), નાસીર જસરાયા(22), કૌસર પિંજારા(21), રાજ કોટાઈ(27) અને રાજકોટના સાહિલ વાઘેલા(25)ને આ હનીટ્રેપ મામલામાં પકડી લેવામાં આવ્યા છે. આ ગેંગની જાનકી અને કૌસર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે શિકારને ફસાવતી અને બાદમાં ગેંગના આ પાંચેય સાગરિતો શિકારને લૂંટી લેતાં અને બ્લેકમેલ કરી નાણાં તથા ચીજો પડાવી લેતાં.

અમદાવાદ જિલ્લાની નળસરોવર પોલીસે આ ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગના સાગરિતો પાસેથી રોકડ, દાગીના અને મોબાઈલ વગેરે મળી કુલ રૂ. 4.45 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ ગેંગે આ માલમત્તા એક શિકાર પાસેથી બ્લેકમેલના માધ્યમથી મેળવી લીધી હતી. આ ઉપરાંત આ ગેંગ દ્વારા આ શિકારના ATM કાર્ડનો ઉપયોગ કરી બેંકમાંથી રૂ.62,000 અન્ય મેળવી લેવાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
આ બંને યુવતિઓ શિકાર સાથે પ્રથમ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે રિલેશનશિપ ડેવલપ કરી, બાદમાં શિકારને કોઈ નિર્જન લોકેશન પર લઈ જતી અને બાદમાં આ ગેંગ શિકારને ધાકધમકી આપી, બ્લેકમેલ કરી ખંખેરી લેતી. આ પાંચેય સાગરિતોની પૂછપરછ ચાલી રહી છે, આવા અન્ય કોઈ ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે કે કેમ, તેના જવાબો પૂછપરછમાં બહાર આવશે.