Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં એસટીમાં કાયમી મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અન્ય કાયમી પ્રવાસીઓને માસિક પાસ આપવાની યોજના છે. આ સમગ્ર પ્રોસેસમાં અત્યાર સુધી બહુ ઝીણવટથી ચેકિંગ થતું ન હોય, આ બાબતે કેટલીક અનિયમિતતાઓ અને ગેરરીતિઓ પાછલાં બારણે ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે, ચેકિંગ દરમિયાન આવી એક ગેરરીતિ જામનગર જિલ્લાના ધ્રોલ ડેપોમાં થતી હોવાનું બહાર આવી ગયું છે. જામનગર એસટીના વિભાગીય નિયામક જાડેજાના જણાવ્યા અનુસાર, નકલી પાસ સંબંધે ધ્રોલ એસટી ડેપોના કંડક્ટર શૈલેષ સંઘાણીની સંડોવણી બહાર આવતાં તેની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે.
અત્યંત આધારભૂત સૂત્રના કહેવા અનુસાર, ધ્રોલ અને મોરબી વચ્ચે દોડી રહેલી એક એસટી બસમાં ફ્લાઇંગ સ્કવોડ દ્વારા કરવામાં આવેલાં ચેકિંગ દરમિયાન એવું ધ્યાન પર આવ્યું કે, એક મુસાફર પાસે રહેલો માસિક પાસ નકલી છે. આથી આ બાબતે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી તો એવું જાહેર થયું કે, ધ્રોલ ડેપોનો એક કંડક્ટર આ કુંડાળું ચિતરતો હતો. તપાસનો છેડો કંડક્ટર શૈલેષ સંઘાણી સુધી પહોંચતા એસટી વિભાગે આ કંડક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહીઓ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધ્રોલ એસટી વિભાગ ભૂતકાળમાં પણ એક કરતાં વધુ વખત સમાચારોમાં સ્થાન મેળવી ચૂક્યો છે. આ નકલી પાસ કૌભાંડ જાહેર થઈ જતાં હાલારમાં ચકચાર મચી ગઈ છે.(file image of st bus)