Mysamachar.in-અમદાવાદ:
દર વર્ષે દીવાળીના તહેવાર અગાઉ ધનતેરસનો દિવસ વિવિધ ખરીદીઓ માટે લોક માન્યતાઓ અનુસાર ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સોનાચાંદીના ભાવો આસમાનને આંબી ગયા હોય, રાજ્યભરમાં સોનાચાંદી બજારોમાં ગત્ વર્ષ જેવી રોનક જોવા મળેલ નથી. એક વર્ષ દરમિયાન સોનું રૂ. 17,000 મોંઘું થયું છે. બીજી તરફ સોનાની દાણચોરી પણ બેફામ ચાલી રહી હોય, બિનહિસાબી સોનું ખરીદાયું હોવાનું પણ જાણવા મળે છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, ગત્ ધનતેરસની સરખામણીએ આ ધનતેરસે ટુ વ્હીલરના વેચાણમાં તોતિંગ ઉછાળો આવ્યો.આ વર્ષે રાજ્યમાં 60,000 ટુ વ્હીલર અને 18,000 કારનું વેચાણ થયું. અત્રે ઉલ્લેખનિય છે કે, વાહન ક્ષેત્રમાં ફાઇનાન્સ વ્યવસ્થાઓ મોટાપાયે ઉપલબ્ધ છે, ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદીઓ માફક.
સોનાના વેચાણનો આંકડો ગત્ ધનતેરસે રાજ્યમાં 700 કિલોગ્રામ હતો. આ વર્ષે આ આંકડો 500 કિલોગ્રામ રહ્યો. એકદમ ઉંચો ભાવ અને વધી રહેલી દાણચોરી, આ રેકર્ડ પરના વેચાણના ઘટાડા પાછળ, જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઓક્ટોબરમાં વાહનોનું જે વેચાણ થયું તે અત્યાર સુધીના માસિક વેચાણમાં સૌથી ઉંચુ છે. તેની સામે સોનાનું વેચાણ 28.5 ટકા જેટલું ઘટવા પામ્યું છે.(symbolic image)