Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે બુધવારે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં પણ ધનવન્તરી પૂજા અન્વયે ઠાકોરજીને લીલા વાઘા પરિધાન કરાવવામાં આઋફા હતા તેમજ લીલા રંગને વિશેષ પ્રાધાન્ય રહેલું હોય ઠાકોરજીને ધરાવવામાં આવતાં ભોગમાં પણ લીલા પકવાન, ભોગ ધરાવવામાં આવ્યા હતા. ધનતેરસ નિમિત્તે ઠાકોરજી વિશિષ્ટ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. આજે ગુરુવારે દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ : હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
– દિપાવલી પર્વે આજે ઠાકોરજી શામળા શેઠ રૂપે વેપારી બનશે –
આજરોજ ગુરુવારે સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવશે. નિજ મંડપમાં રંગોળી કરી પૂજારી પરિવાર દ્વારા દિપમાલા દર્શન યોજવામાં આવશે.
– હાટડી, ત્રાજવા-તોલા સાથે ચોપડા પૂજન : સોના ચાંદીના સિકકાનું પૂજન –
આજે રાત્રિના 8 વાગ્યે જગતમંદિરમાં હાટડી દર્શન યોજાશે જેમાં શ્રી દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપારી બનશે. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી, ત્રાજવા-તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના ચાંદીના સિકાનું પૂજન કરવામાં આવશે. આજે સવારના સમયે જગતમંદિરમાં રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ ઉજવાયો હતો. જેમાં સવારે 5:30 વાગ્યે મંગલા આરતી, રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન તેમજ દિપમાલા દર્શન યોજવામાં આવનાર છે. ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ હજારો પ્રત્યક્ષ ભાવિકોને થશે તેમજ ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો નિહાળશે. જગતમંદિરમાં તા. 1 નવેમ્બરના રોજ સાંજે 5 થી 7 અન્નકૂટ મહોત્સવ, તા. 2 નવેમ્બરે નૂતન વર્ષ તેમજ 3 નવેમ્બરે ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.(image courtsy:dwarkadhish temple)