Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં તોતિંગ બહુમતી સાથે ફરી સત્તારૂઢ થયેલી સરકાર ગેરકાનૂની રીતરસમો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિથી આગળ વધી રહી હોવાનું સમજાઈ રહ્યું છે. બુધવારે રાજ્યનાં પોલીસવડાએ અધિકારીઓને વ્યાજના ધંધાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતી ગેરકાનૂની પદ્ધતિઓ પર ફોક્સ કરવા જણાવ્યું હતું.
DGP આશિષ ભાટિયાએ વીડિયો કોન્ફરન્સમાં અધિકારીઓને કહ્યું હતું કે, વ્યાજના જે ધંધાર્થીઓ ગેરકાયદે વધુ વ્યાજ વસૂલતા હોય અને વ્યાજે નાણાં મેળવનારને પરેશાન કરતાં હોય, એવા મોટાં માછલાંઓને જેર કરો. વ્યાજના જે ધંધાર્થીઓ લોન લેનારને પરેશાન કરતાં હોય, મારકૂટ સહિતની હિંસા આચરતાં હોય, એ તમામ કેસોનું મોનિટરીંગ CID ક્રાઈમ હસ્તક રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
રાજ્યનાં જે વિસ્તારોમાં આ પ્રકારની ગેરકાનૂની રીતરસમોનો વ્યાપ જોવા મળતો હોય તે વિસ્તારોમાં પોલીસે જાગૃતિ બેઠકો યોજવાની રહેશે અને જરૂર જણાયે વ્યાજના આવા ધંધાર્થીઓને ‘ પાસા ‘ માં ફીટ કરી દેવાની પણ સૂચના આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, ઘણાં ધંધાર્થીઓ માસિક દસથી વીસ ટકા વ્યાજ વસૂલતા હોવાનું જાણવા મળે છે. કેટલાંક વ્યાજખોરો રોજે રોજનું વ્યાજ ખંડણીની માફક પણ ઉઘરાવતા હોય છે ! આ વીડિયો કોન્ફરન્સમાં જામનગર સહિત રાજ્યભરના તમામ પોલીસવડાઓ જોડાયા હતાં.