Mysamachar.in:પોરબંદર
ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલોમિટરનો દરીયા કિનારો ધરાવે છે. તેમાં પણ સૌરાષ્ટ્રનો દરીયાઈ વિસ્તાર ખુબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. આ દરીયાઈ વિસ્તારમાં અવાર નવાર ડ્રગ્સ, હેરોઇન સહિતના નશીલા પદાર્થો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સમયાંતરે ઝડપાતી રહે છે. જેને લઈને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ રહેતી હોય છે. અને દેશના દુશ્મનોને પાડી દેવા સક્ષમ છે.
એવામાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે પોરબંદર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા જેઓએ કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે કોસ્ટલ સિક્યુરિટીને લઈને વિવિધ મુદ્દે બેઠક યોજી હતી, DGP વિકાસ સહાય પોતાની બે દિવસીય મુલાકાત માટે પોરબંદર આવી પહોંચ્યાં હતા. જ્યાં તેઓનું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે પોરબંદર ખાતે આવેલા કોસ્ટગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 1 ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે પોલીસ અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોસ્ટલ જિલ્લા પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને દરિયાઈ સુરક્ષાને લઈને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.