Mysamachar.in-જામનગર:
જામનગરમા ગેરકાયદેસર બાંધકામનો રાફડો એવો ફાટ્યો છે કે તંત્ર એની સામે કામ કરવા ધારે તો પણ તમામ અનઅધીકૃત બાંધકામ-દબાણ દૂર કરી શકે તેમ નથી અને તેવી ઇચ્છાશક્તિ પણ નથી માટે તે કમાણીનુ સાધન બની ગયાના આક્ષેપો સમયાંતરે થતા રહે છે.
રેકડી,પથારા,લારી,ગલ્લા,પાર્કીંગ,રોડ સાઇડ બાંધકામમા જગ્યા ન છોડવી વગેરે દ્વારા દબાણ, રીનોવેશનની મંજુરી લઇ નવા બાંધકામ,રહેણાંકની મંજુરીમાં કોમર્શીયલ બાંધકામ,અમુક માળની મંજુરી લઇ એકાદ બે માળ વધુ ચણી લેવા,પ્રતિબંધીત વિસ્તારોમા નવા બાંધકામ વગેરે પ્રકારની અનિયમિતતા શહેરમા સામાન્ય બની ચુકી છે,આ તમામ આડેધડ થતા બાંધકામો "કૃપા"થી રક્ષિત છે,તેમ પણ જાણકારોમા છડેચોક ચર્ચાઈ રહ્યું છે.
લગત,ચબરાક,અમુક ચોક્કસ પ્રકારના સંશોધકો,અમુક ઉજાગર કરનારાઓ,અમુક જાણકારો વગેરે પ્રકારના કહેવાતા"જાગૃત" આવુ ગેરકાયદેસર ઘણુ ખરું શોધી લે છે,તેમજ ઘણા કિસ્સાઓમા લગત કચેરીઓમાંથી જોઈતી મદદ પણ મળી રહે છે. ત્યાર બાદ કહેવાતી અઘોષીત કમીટી જેના સભ્યો બદલતા રહે છે…. "વાંકુ" પડતુ જાય એમ નીકળતા જાય "રસ્તો" બતાવનારા ઉમેરાતા જાય છે..તેઓ પહેલા સહેલા કિસ્સા હાથ ઉપર લે છે જેથી પથ્થર મારે અને ફળ ખરે તેવુ પહેલા અંકે કરી લે છે,ત્યારબાદ વધુ જહેમત વાળા કેસ હાથ ઉપર લે છે,બધુ સમુ સુતરુ ઉતરે તો ક્યારેક કોઇ કચેરીના મળતિયાને પણ સાથે રાખવાના અખતરા કરી લે છે અને એકંદરે "લાભ" મેળવે છે..
જેમ જેમ સફળતા મળતી જાય તેમ-તેમ આ પ્રેક્ટીસ જામતી જાય છે,.અને તેમા નવા નિશાળીયા પણ ઉમેરાતા જાય છે જો કે દરેક સફળ પણ થતા નથી ,તેમજ જામેલાઓને પણ અનેક કારણોસર અમુક "ઘર" અનેક કારણોસર છોડી દેવા પડે છે.
આ પ્રેક્ટીસ દરમ્યાન હવેથી ફરિયાદ ન કરવી,તપાસ વધુ ન માંગવી,વધુ પાછળ ન પડવુ,શક્ય એટલુ ડીપાર્ટમેન્ટલ રક્ષણ પણ અપાવવુ,બને તો ભવિષ્યમા પણ તકલીફ ન પડે તેવા રસ્તા બતાવવા,અન્ય કોઇ માથુ ઉચકે તો શક્ય હોય તો રક્ષણ આપવુ,આવા તો અનેક કમીટમેન્ટ થાય છે…તે માટે આ "કમીટી" નિયત કરેલા ચોક્ક્સ સ્થળોએ મળે છે…જ્યા "ભોગ બનનાર" ( આમ તો સરકારી વિભાગોનો ગેરલાભ લેનાર) કે તેમના પ્રતિનિધી પણ આવે છે ,વાટાઘાટો થાય અને ચોક્કસ રકમનુ સેટીંગ થાય છે,
ક્યારેક બે ત્રણ સીટીંગ પણ થાય,ક્યારેક સોદો ફસકી પણ જાય…પરંતુ મોટાભાગે આ સંયુક્ત,બળુકા હોય તો સ્વતંત્ર ચાલ્યા જ રાખે શક્ય એટલા રક્ષણ આપવા કે અપાવવા, આંખ આડા કાન કરવા કે કરાવવા વગેરે પ્રકારના વચન સાથે અને હવે જાહેરમા આ મુદો ન ઉછાળવાની શરતે સમગ્ર પણે મોટાભાગે સેટીંગ થતા જ રહે છે…અને આ બિઝનેસ-પ્રેક્ટીસ જામતી રહે છે…
જોકે દરેક ઉછળકુદ કરનારાઓ માટે આ સહેલુ નથી આ માટે તો ખુબ જહેમતનુ કામ છે,નાણા રળવા સહેલા છે?આવી અનેક ચર્ચાઓ શહેરમા આ બધુ જ જોનારા ,જાણનારાઓમાં ચર્ચાય છે કે આ પ્રેક્ટીસમા ઘણા સંકળાયેલા છે ઘણા સફળ છે તે સમૃદ્ધ થયા છે… પરંતુ એકંદર આ વ્યવસાય પણ ફુલ્યો ફાલ્યો છે.તે ગામ આખાને ખબર છે,પણ સમજી શકાય તેવી વાત છે…માટે બધું ચાલે છે