Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. તેમજ દ્વારકા પોલીસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂપિયા 16.03 કરોડથી કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણ બાદ સ્થાનિક પોલીસે જારી રાખેલી ઝુંબેશ દરમિયાન ગતરાત્રે પોલીસને આશરે રૂપિયા 43 લાખ જેટલી કિંમતનો વધુ પોણા નવસો ગ્રામ જેટલો ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. આજ રીતે આજે બપોરે મોજપ ગામની સીમમાંથી વધુ 20 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે.
દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામ નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રિના સમયે દ્વારકા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાંથી સાંપળેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાં રહેલો આશરે 32 કિલોથી વધુ વજનનો ડ્રગ્સ (ચરસ) બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે રૂપિયા 16.03 કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ચરસના આ જથ્થા સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં શનિવારે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આ સમગ્ર પ્રકરણ અંગેની તપાસ દ્વારકાના મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એન.એચ. જોશીને સોંપવામાં આવી હતી.
તેમના દ્વારા સ્થાનિક સ્ટાફને સાથે રાખીને આ વિસ્તારના દરિયાકાંઠામાં અવિરત રીતે ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગતરાત્રે મીઠાપુર નજીકના મોજપ ગામના દરિયા કાંઠેથી વધુ એક પેકેટ બિનવારસુ હાલતમાં સાંપડ્યું હતું. જે અંગેની પોલીસ તપાસમાં તેમાં 872 ગ્રામ ચરસ હોવાનું ખુલવા પામ્યું છે.આશરે રૂપિયા 42 લાખથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી કરી હતી.
આ સાથે પોલીસ દ્વારા જારી રાખવામાં આવેલી તપાસ તેમજ પેટ્રોલિંગ દરમિયાન આજરોજ બપોરે ઓખા મંડળના મોજપ સીમ વિસ્તારમાં આવેલા શિવરાજપુર માર્ગ વચ્ચેના દરિયા કાંઠેથી વધુ 20 પેકેટ મળી આવ્યા હતા. અંદાજિત 20 કિલો જેટલા આ નશાકારક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 10 કરોડ જેટલી ગણવામાં આવી છે. જેનો કબજો મેળવી, પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ શખ્સો દ્વારા ચોક્કસ કારણોસર ત્યજી દેવામાં આવેલા ડ્રગ્સના આ જથ્થા પૈકી વધુ જથ્થો ઝડપાય તેવી સંભાવના વચ્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત થાય તે માટે વિવિધ દિશાઓમાં પણ તપાસ જારી રાખવામાં આવી છે.