Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા અધિકારીઓને રાજ્યપાલનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસે, મતદાન સુધારવા માટેના વિશિષ્ટ પ્રયાસો તથા દીવ્યાંગો અને થર્ડ જેન્ડર માટે કેમ્પનું આયોજન કરીને ખાસ પ્રયત્નો હાથ ધર્યા હતા તથા દેવભૂમિ દ્વારકા એ રાજ્યનો એક માત્ર જિલ્લો છે, જેમાં અગાઉની ચૂંટણીમાં થયેલ મતદાનની તુલનામાં મતદારોનું મતદાન વધ્યુ હતુ.
આ કામગીરી માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર એમ. એ. પંડ્યાની શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થયેલ છે. તેમજ રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના 81-ખંભાલીયા વિધાનસભા મતદાર વિભાગના નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાની પસંદગી થયેલ છે. મતદાર નોંધણી અધિકારી તરીકે તેમને નાગરીકોની નોંધણી કરીને રાજ્યની મતદારયાદીમાં સુધારો કરવા માટેના અથાગ પ્રયત્નો કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવેલ છે. તથા કેમ્પસ એમ્બેસેડર તરીકે ગોકાણી કોલેજ ખંભાળીયાની વિદ્યાર્થીની ભૂરા હેતવીબેનની પસંદગી થતા જીલ્લા માટે ગૌરવની બાબત છે. આમ દેવભૂમિ દ્વારકા જીલ્લો ત્રણ એવોર્ડ પ્રાપ્ત કરનાર જીલ્લો બન્યો છે.