Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી અને રાવલ ગામે કેટલાક શખ્સોએ મળીને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને દુકાનો તથા ખેતી કરી, અંગત સ્વાર્થ સાધતા આ અંગે કલ્યાણપુરના મામલતદારએ પાનેલીના ચાર તથા રાવલના ગુનામાં સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રામશી કરણા ચાવડા નામના શખ્સએ પાનેલી ગામના સરવે નંબર 493 (જુના સરવે નંબર 74) ની 22 વીઘા જેટલી જમીનમાં તથા સરવે નંબર 486 (જુના સરવે નંબર 211) વાળી સરકારી જમીનમાં દબાણ કર્યું હતું. જ્યારે અન્ય એક આરોપી પાનેલી ગામના કરસન મેરગ ચાવડાએ એકાદ વીઘા જેટલી જમીનમાં બાંધકામ કરી અને મકાન બનાવી, ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. ત્રીજા આરોપી લખમણ કરસન ચાવડાએ પણ એકાદ વીઘા જગ્યામાં ચણતર કામ કરી લીધું હોવાનું જાહેર થયું છે. પાનેલી ગામના ખેડૂત વીરા પાલા કરમુરએ સરવે નંબર 486 (જુના સરવે નંબર 211) વાળી સરકારી જમીન ઉપર નવેક વીઘા જેટલો ગેરકાયદેસર કબજો કરી, અહીં ખેતી કામ કરતો હોવાનું પણ જાહેર થયું છે.
આમ, ઉપરોક્ત સરકારી જમીન પર ચારેય શખ્સો દ્વારા આશરે 33 વીઘા જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી, ખેતી કામ તથા બાંધકામ કરી અને સરકારી જંત્રી મુજબ આશરે રૂપિયા 15 લાખની જમીન પચાવી પાડવા સબબ કલ્યાણપુરના મામલતદાર બી.એમ. ખાનપરા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં એ.એસ.પી. રાઘવ જૈન દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.
અન્ય એક ફરિયાદ કલ્યાણપુરના મામલતદાર ભરતકુમાર મોહનલાલ ખાનપરાએ ખંભાળિયામાં રહેતા રાજુ ડાયાભાઈ મકવાણા, કલ્યાણપુરના ટંકારીયા ગામે રહેતા પરબત મેરામણ લગારીયા, હમીર રામ લગારીયા, ભીખુ કારુ લગારીયા, સુર્યાવદર ગામના રામદે ઉર્ફે સંજય ઘેલાભાઈ પાંડાવદરા , રાવલ ગામના ધરણાંત કેશુ વારોતરીયા અને કલ્પેશ અશોકભાઈ રાજ્યગુરુ સામે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આરોપી રાજુ મકવાણા અને પરબત લગારીયાએ રાવલ ગામે સર્વે નંબર 167 (જુના સરવે નંબર 45/1) વાળી આશરે 250 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પર દુકાનો બનાવી અને પરબત લગારીયાએ હમીર લગારીયા, રામદે પાંડાવદરા, ધરણાંત વારોતરીયા, ભીખુ લગારીયા અને કલ્પેશ રાજ્યગુરુને વેચી મારી હતી.આમ, સરકારી જંત્રી પ્રમાણે આશરે રૂપિયા 7,00,000 ની કિંમત ધરાવતી ઉપરોક્ત સરકારી જમીનને પચાવી પાડવા સબબ કલ્યાણપુર પોલીસે સાતેય શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી એ.એસ.પી. રાઘવ જૈન દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.