Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
જ્યાં કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે અને દરવર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો જ્યાં શીશ ઝૂકાવવા માટે આવે છે, તેવા દ્વારકા જગતમંદિરમાં ભગવાન સન્મુખ જે રીતે માલેતુજારો દ્વારા અને કેટલાક પુજારીઓ દ્વારા જે રીતસરનો તમાશો કરવામાં આવ્યો અને ભગવાન પર પૈસાની નોટો ઉડાવવામાં આવી તેને લઈને કૃષ્ણ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભક્તોની લાગણી એવી છે કે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ નિજ મંદિરમાં થયેલ આ તમાશા અંગે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવા દ્રશ્યો ફરી જોવા ના મળે તે અંગે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ.
દ્વારકા મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે પરંતુ એક નહિ પણ એકથી વધુ વીડિયો નિજમંદિરના વાયરલ થયા છે, જેના કારણે વિવાદ વકર્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે ભગવાનની સન્મુખ ડાયરાની જેમ પુજારીઓ અને યજમાનો દ્વારા નોટો ઉડાળવાનાં વીડિયો વાયરલ થયાની ઘટનાએ લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોચાડી છે.
આ વીડિયોને કેટલાક લોકો દ્વારકાધીશનું અપમાન પણ માની રહ્યાં છે અને આ ઘટનાથી કૃષ્ણ ભક્તોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. જો કે આ અંગે મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ આજે my samachar.in સાથેની વાતચીતમાં કહ્યું કે..
“મંદિરમાં માત્ર ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓને જ મોબાઈલ ફોન સાથે મંદિરમાં જવાની છૂટ છે એ સિવાય પુજારી સહીત તમામ માટે મોબાઈલ લઇ જવો જાહેરનામામાં પ્રતિબંધ છે. ત્યારે કોણ મોબાઈલ લઇ ગયું હતું તે તપાસનો વિષય છે. પરંતુ અમારી સામે આ બાબત આવ્યા બાદ પૂજારીઓને તેમના વર્તનને લઈને નોટીસ આપી તેમનો જવાબ પણ માગવામાં આવ્યો છે, જે વિડીયોમાં બતાઈ રહ્યા છે તે તમામ પાંચ થી છ જેટલા પૂજારીઓને નોટીસ આપવામાં આવી છે. અને તેમના જવાબ આવ્યે વધુ કાર્યવાહી થઇ શકે”. હવે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ માત્ર ખુલાસાઓ અને જવાબથી સંતોષ સીમિત ના રહી અને મંદિરની સુરક્ષા અને ભક્તોની લાગણીને ધ્યાનમાં લઈને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ.