Mysamachar.in: ગુજરાત
સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય દરોડા એજન્સીને જે એક બાબતમાં લાલઝંડી દેખાડી છે, તે બાબત અતિ મહત્ત્વની છે. જે તપાસનીશ એજન્સીઓ આરોપીના મોબાઈલ અને લેપટોપ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો ગુનાના કામે જપ્ત કરે છે, તે તપાસનીશ એજન્સીઓ આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી આરોપીની માહિતીઓ અને વિગતોની કોપી કરી શકે નહીં અને આ વિગતો તથા માહિતીઓ તપાસનીશ એજન્સીઓ કોઈ પણ રીતે એકસેસ કરી શકે નહીં, એટલે કે મેળવી શકે નહીં. સુપ્રિમ કોર્ટે લોટરીકિંગના એક કેસમાં આમ જણાવ્યું.
આ મામલાની વિગતો એવી છે કે, ગત્ નવેમ્બરમાં EDએ લોટરીકિંગ સેન્ટિઆગો માર્ટિન, તેના સંબંધીઓ અને તેના કર્મચારીઓને ત્યાં, સર્ચ ઓપરેશન માટે દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન કેટલાંક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે, મોબાઈલ અને લેપટોપ વગેરે કબજે લીધાં હતાં. સુપ્રિમ કોર્ટે આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંની માહિતીઓ અને વિગતો એકસેસ કરવા સંબંધે EDને રોકી લેતો આદેશ કર્યો.
મેઘાલય પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે અનુસંધાને EDએ 6 રાજ્યમાં, 22 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતાં. આ શખ્સ પર એવો આરોપ મૂકવામાં આવેલો છે કે તેણે ગેરકાનૂની રીતે લોટરી બિઝનેસ પર કબજો લઈ લીધો છે. આ દરોડા દરમિયાન EDએ રૂ.12.41કરોડની રોકડ રકમ કબજે લીધી હતી. આ શખ્સની કંપની ફ્યુચર ગેમિંગ એવી કંપની છે જેણે વ્યક્તિગત રીતે સૌથી વધુ રકમના ઈલેકટોરલ બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને આપેલાં છે. આ શખ્સની કંપનીએ 2014 અને 2019 વચ્ચે રૂ.1,368 કરોડના ઈલેકટોરલ બોન્ડની ખરીદી કરી હતી. તેણે સૌથી વધુ નાણાં મમતાના પક્ષને અને સૌથી ઓછાં નાણાં ભાજપાને આપ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ લોટરીકિંગની કંપનીએ ચાર કેસ અને એમેઝોન સહિતની બે કંપનીએ બે કેસ એમ કુલ 6 કેસ સુપ્રિમ કોર્ટમાં એવા દાખલ કરવામાં આવેલાં છે જેમાં આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો મામલો હતો. આ બધાં કેસોના આ સંયુકત હિઅરિંગમાં સુપ્રિમ કોર્ટે EDને ઉપરોકત નિર્દેશ આપ્યો છે. આ 6 કેસ પૈકી એક પક્ષકાર તરીકે એક ન્યૂઝ એજન્સી પણ છે.
આ 6 અરજદારોએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં કહ્યું: અમારાં બંધારણીય અને મૂળભૂત અધિકારો, ખાસ કરીને પ્રાઈવસીના અધિકારનું રક્ષણ કરવામાં આવે. પિટિશનમાં દલીલ કરવામાં આવી છે કે, કોઈ પણ વ્યક્તિના આ પ્રકારના અંગત ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં તે વ્યક્તિની જિંદગી સાથે સંકળાયેલી અંગત બાબતો સ્ટોર થયેલી હોય છે. સુપ્રિમ કોર્ટે પોતાના બે પેજના હુકમમાં EDને કહ્યું: (લોટરીકિંગ) માર્ટિન અથવા તેના કોઈ પણ કર્મચારીઓના મોબાઈલ અને લેપટોપ જે તપાસ માટે કબજે લેવામાં આવ્યા છે, તે ઉપકરણોમાંની કોઈ પણ માહિતીઓ કે વિગતો, ED એકસેસ કરી શકે નહીં, કોપી કરી શકે નહીં.
આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં જે ડેટા છે તે ડેટા એકસેસ કરવા માટે આરોપીની હાજરી જરૂરી છે તેમ જણાવી ED એ PMLA કાનૂન અંતર્ગત માર્ટિનને સમન્સ પણ મોકલ્યું હતું. સુપ્રિમ કોર્ટે આ સમન્સ પર સ્ટે પણ આપ્યો. એક ED અધિકારીએ સુપ્રિમ કોર્ટના આ હુકમને ‘અભૂતપૂર્વ’ લેખાવી પત્રકારને જણાવ્યું કે, અમો ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તલાશ અને જપ્તી કરવા બાબતે CBI મેન્યુઅલને અનુસરી રહ્યા છીએ.
એક ED અધિકારીએ પત્રકારોને કહ્યું: અમો અત્યાર સુધીમાં માર્ટિનની રૂ. 622 કરોડની સંપત્તિ જપ્ત કરી ચૂક્યા છીએ. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં અત્યાર સુધીમાં 17 મોબાઈલ ફોન, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ કબજે લેવાયા હોવાનું જાણમાં આવ્યું છે. કેટલાંક ઈ-મેઈલના બેક અપ પણ કબજે લેવાયા છે. કંપનીના વકીલે પોતાના અસીલને રાહત આપવામાં આવે એવી માંગ સાથે અદાલતમાં કહ્યું કે, અત્યાર સુધીમાં કંપની રૂ.28,205 કરોડનો GST સરકારમાં જમા કરાવી ચૂકી છે.