Mysamachar.in: જામનગર
જામનગર NSUI દ્વારા શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ પર આવેલાં ગેરકાયદેસર ડોમમાં ભણાવાતાં વિદ્યાર્થીઓ અંગે સ્થાનિક સત્તાવાળાઓને રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહીઓ કરવામાં આવી નથી, એ મતલબની રજૂઆત કોર્પોરેશનમાં થઈ છે.NSUI ના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ દ્વારા પાંચમી જૂને કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગને પત્ર લખવામાં આવ્યો છે અને ક્રિષ્ના સ્કૂલના ગેરકાયદેસર ડોમના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે.

જે પત્રમાં જણાવાયું છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી અને ચીફ ફાયર ઓફિસરને અગાઉ NSUI દ્વારા લેખિત રૂબરૂ રજૂઆત કરવામાં આવેલી કે, જામનગરની ઘણી શાળાઓમાં ગેરકાયદેસર ડોમ છે અને ત્યાં વિદ્યાર્થીઓને જોખમી રીતે ભણાવવામાં પણ આવે છે, આ ગંભીર બેદરકારીઓ અંગે સત્તાવાળાઓને જાણ કરવામાં આવેલી.આ અંગે જવાબદારો દ્વારા ક્રિષ્ના સ્કૂલમાં ચેકિંગ પણ થયેલું. છતાં આ બાબતે કોઈ કાર્યવાહીઓ થઈ નથી. સ્કૂલને નોટિસ આપવામાં આવી નથી. આ ડોમ તોડી પાડવામાં આવેલ નથી. અહીં કોઈ દુર્ઘટના સર્જાશે તો ટાઉન પ્લાનિંગ વિભાગ તથા ફાયર શાખાની જવાબદારીઓ ઉભી થશે, એમ પણ આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. આ ડોમ તોડી પાડવા માંગ કરવામાં આવી છે.
