Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાને અખબારી યાદીઓ પ્રસિદ્ધ કરાવવાનો શોખ છે પરંતુ આવી યાદીઓ પ્રસિદ્ધ કરાવ્યા બાદ મહાનગરપાલિકા એ યાદીમાંની મૂળ વાત જ ભૂલી જતી હોય છે. દાખલા તરીકે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નગરજને ભૂગર્ભ ગટરનું ઢાંકણ ખોલવું નહીં, એવી મહાનગરપાલિકાની ચેતવણી પછી પણ, શહેરમાં સેંકડો જગ્યાઓ પર નગરજનો વરસાદી પાણીના નિકાલ માટે ગટરોના ઢાંકણ ખોલે જ છે, મહાનગરપાલિકા આવા મામલામાં કશું કરતી નથી. કારણ કે ખુદની પાસે પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થાઓ નથી.
આવો જ અન્ય એક મુદ્દો છે: મહાનગરપાલિકા દર વર્ષે જાહેર કરે છે કે, ચોમાસામાં કયાંય પણ પાણી એકત્ર થતું હશે તેવા સ્થળે, પાણીના ખાડાના સ્થળે મચ્છરો જોવા મળશે તો સંબંધિતો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે. આવી ચેતવણી આપ્યા બાદ મહાનગરપાલિકા આ વાત ભૂલી ગઈ.
શહેરમાં ઘણાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના સેલર એવા છે જ્યાં વરસાદી પાણી ભરેલાં છે, સંખ્યાબંધ બાંધકામ સાઈટ એવી હોય છે, જ્યાં પાણી ભરેલાં હોય છે, શહેરમાં સંખ્યાબંધ રસ્તાઓ અને શેરી એવા છે જ્યાં ખુદ મહાનગરપાલિકાની અણઆવડતને કારણે વરસાદી અને વપરાશી પાણી ભરેલાં હોય છે. હજારો મચ્છરો આવી જગ્યાઓ પર ખદબદતાં હોય છે, શહેર દર વર્ષે મચ્છરનગર બની જાય છે, આવા સમયે મહાનગરપાલિકા ક્યાં હોય છે, શું કરતી હોય છે ?
Mysamachar.in દ્વારા આ મુદ્દે કોર્પોરેશનના મેલેરિયા અધિકારી પંચાલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, એમના જણાવ્યા અનુસાર, આ કામગીરીઓ ટાઉન પ્લાનિંગ શાખાની સૂચનાઓ મુજબ એસ્ટેટ શાખાએ કરવાની હોય છે. Mysamachar.in દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અનિલ ભટ્ટે જણાવ્યું છે કે, શહેરમાં સર્વે કરી સેલરમાં પાણી ભરાતું હોય તેવા 105 સ્થળને નોટિસ આપવામાં આવી છે, જો ત્યાં સ્વચ્છતા કરવામાં નહીં આવે તો કમિશનરનું માર્ગદર્શન મેળવી આગળની અને કડક કાર્યવાહીઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સેલરમાં ભરાતાં પાણી અંગે ટાઉન પ્લાનિંગ વિભાગ નોટિસ ઈસ્યુ કરે છે. જે દર વર્ષે થાય છે, પછી સિલિંગ ક્યારેય થતું નથી. અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપરાંત બાંધકામ સાઈટ પણ સીલ થઈ રહી છે.