Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જી.જી. હોસ્પિટલ સુવિધાથી માંડીને અનેક પ્રશ્નોનાને કારણે વારંવાર વિવાદમાં આવી રહી છે,ત્યારે સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકોને સારી સુવિધા આપવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે જી.જી.હોસ્પિટલમાં ICU વિભાગની એમ્બ્યુલન્સ સેવા પાંચ વર્ષ દરમિયાન પાંચ દર્દીઓ માટે ઉપયોગ કરીને ગેરેજમાં રાખી દેવામાં આવતી હોવાની પોલ ખુલી છે,
સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે આપવામાં આવતી સુવિધાઓ લોકો સુધી યોગ્ય રીતે નથી પહોંચતી તેનો જામનગરના જાગૃત નાગરિક નિમેશભાઈ સીમરીયાને કડવો અનુભવ થયો છે.જેમાં નિમેશભાઈના કૌટુંબિકભાઈ ગંભીર રીતે અકસ્માતમાં ઘાયલ થતા જયારે આ એમ્બ્યુલન્સની જરૂર પડી ત્યારે તેને આ એમ્બ્યુલન્સના મળી જેથી રાજકોટથી એમ્બ્યુલન્સ બોલાવીને રાજકોટ લઈ જવામાં આવ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું અને ૨૦ હજારનો ખર્ચ થયો હતો.
ત્યારે જામનગરમાં ઘર આંગણે ICU એમ્બ્યુલન્સ હોવા છતાં હોવા કામ ના આવતા ભારે વ્યથિત થઈને માહિતી કાયદાનો ઉપયોગ કરીને જી.જી.હોસ્પિટલમાં ICU એમ્બ્યુલન્સની સુવિધા પ્રજાને કામ આવે છે કે કેમ તે અંગે છેલ્લા એક વર્ષથી માહિતી કાયદા હેઠળ લડત ચલાવ્યા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે,
જેમાં જામનગર જી.જી.હોસ્પિટલમાં ICU વિભાગમાં ૨૦૧૪માં ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ પાંચ વર્ષ દરમિયાન માત્ર પાંચ દર્દી માટે જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઉપયોગ કરતા આ એમ્બ્યુલન્સની જાળવણીનો ખર્ચ અંદાજે ૧,૯૩,૦૭૦ થયો હોવાનું સામે આવ્યું છે,એટલે કે પાંચ વર્ષ દરમિયાન VIP કાફલામાં ઉપયોગ કરાયા બાદ એમ્બ્યુલન્સ ગેરેજમાં મૂકી દેવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે પ્રજાને તો કામ જ નથી આવી તેવું બહાર આવ્યું છે,
તેવામાં સ્થાનિક નેતાગીરી દ્વારા અવારનવાર આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી સેવાઓના જાહેરમાં ગુણગાન ગાઈને પોતે લોકસેવક હોવાની છાપ ધરાવતા હોવાનો દાવો કરે છે,ત્યારે આ મામલે ગંભીરતાથી વિચારીને ICU એમ્બ્યુલન્સની સુવિધા જે લોકોને ખરેખર જરૂર છે તેવા લોકો સુધી પહોંચે તે પ્રયાસો હોસ્પિટલ તંત્ર દ્વારા થાય તેવી માંગણી ઉઠી છે.