જામનગરના ગાંધીનગર વિસ્તારમાં બંધ પડેલો વેસ્ટ ટુ એનર્જી
(ગુડવોટ્સ કંપની) પ્લાન્ટ આજે મહિનાઓથી બંધ છે, કંપનીના સંચાલકો મહાનગરપાલિકાને ગણકારતા નથી, ઉઘાડી દાદાગીરી કરી રહ્યા છે, આમ છતાં JMC આ કંપનીનો વાળ વાંકો કરી શકી નથી તેથી સૌમાં ચર્ચાઓ એ છે કે, આ કંપની હજુ સુધી ‘સલામત’ કાં ?! લાંબો સમય વીતી ગયો હોય હવે તો લોકોના આ અચરજમાં શંકાઓ પણ ભળી રહી છે !
જામનગરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે મહાનગરપાલિકાએ વર્ષો અગાઉ આ કંપનીને અહીં 17 એકર જમીન મફતમાં આપી, રસ્તાઓ બનાવી આપ્યા અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી મહાનગરપાલિકાએ આ કંપનીના પ્લાન્ટ પર વર્ષો સુધી શહેરનો કચરો પહોંચાડયો. આ કચરામાંથી ઉત્પન્ન થયેલી લાખો વોટ્સ વીજળીનું પછી શું થયું- એ આજની તારીખે કયાંય જાહેર થયું નથી !
આ પ્લાન્ટ ગત્ એપ્રિલથી બંધ છે, એપ્રિલ અને મે માસમાં મહાનગરપાલિકાએ આ બંધ પ્લાન્ટ સંબંધે કંપનીને નોટિસના કાગળિયા મોકલાવેલા. કંપનીએ જવાબ આપ્યો નથી. પ્લાન્ટ શા માટે બંધ છે, તે કોઈને ખબર નથી ! આ સ્થિતિઓ વચ્ચે પણ મહાનગરપાલિકાએ આ કંપનીના સંચાલકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહીઓ કરી નથી ! આ બધી જ બાબતો એક RTI અરજીનો જે જવાબ મહાનગરપાલિકાએ એક અરજદારને આપ્યો છે, તેમાં સ્પષ્ટ રીતે લખેલી છે.
આ RTI અરજદારનું નામ નિતીન માડમ છે. જેમની યાદી જણાવે છે કે, મહાનગરપાલિકાએ આ કંપનીને એવી પણ ચીમકી આપી છે કે, કંપનીએ મહાનગરપાલિકા સાથેના કરારની શરતોનો ભંગ કર્યો હોય, મહાનગરપાલિકા કંપનીને આપવામાં આવેલી જમીન અને આ જમીન પર ઉભેલાં પ્લાન્ટનો પણ કબજો લઈ લેશે. મહાનગરપાલિકાએ કંપનીને એમ પણ કહ્યું છે કે, નુકસાની વળતર અને કરાર મુજબ અન્ય મળવાપાત્ર રકમ કંપની પાસેથી વસૂલવાનો અમારો અબાધિત અધિકાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિનાઓથી આ પ્લાન્ટ બંધ હોવાથી મહાનગરપાલિકાએ શહેરનો બધો જ કચરો છેક દૂર ડમ્પિંગ સાઈટ પર મોકલવો પડે છે અને એમાં કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
આ બધી લમણાંઝીક બાદ આજે 29મી ઓગસ્ટે અરજદાર નિતીન માડમએ કમિશનરને ફરી એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ઉપરોકત તમામ બાબતો ધ્યાન પર લઈ મહાનગરપાલિકાએ આ કંપનીને અપાયેલી જમીન અને પ્લાન્ટનો કબજો મેળવી લેવા કાર્યવાહીઓ કરવી જોઈએ. કંપની વિરુદ્ધ જે કાર્યવાહીઓ થાય તેની વિગતો ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનને પણ મોકલવી જોઈએ કારણ કે એ પિટિશનમાં કોર્પોરેશન પક્ષકાર છે.
આ ઉપરાંત આ પત્રમાં લખાયું છે કે, જ્યારે આ કંપની જામનગરમાં કાર્યરત હતી ત્યારે, કંપનીએ કચરાની દુર્ગંધ નિયંત્રિત કરી ન હતી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની શરતોનું ઉલ્લંઘન કરેલું અને હજારો નાગરિકોને યાતના અને માનસિક પીડા પણ આપી હતી. તે અંગેનો વળતરનો દાવો મહાનગરપાલિકાએ પ્રજાહિત માટે તાકીદે અદાલતમાં દાખલ કરવો જોઈએ.
આ સાથે પત્રમાં કહેવાયું છે, આ ઉપરાંત નાગરિકોને ઉપરોકત બાબતે વ્યક્તિગત વળતર મળે એ માટે પણ મહાનગરપાલિકાએ દાવો દાખલ કરવો જોઈએ. શકયતાઓ એવી પણ છે કે, જાગૃત નાગરિકો આ બાબતે કોર્પોરેશન વિરુદ્ધ અને કંપની વિરુદ્ધ દાવા દાખલ કરી શકે છે. આ કંપની વિરુદ્ધ મહાનગરપાલિકાએ બધી જ કાર્યવાહીઓ ત્વરિત કરવી જોઈએ એમ પણ આ પત્રના અંતમાં જણાવવામાં આવ્યું છે.