Mysamachar.in-જામનગર:
જામનગર સહિત ગુજરાતમાં કરોડો રાશનકાર્ડધારકો સુખી છે, સૌ મોજથી જિવે છે, સરકાર સૌનું ધ્યાન રાખે છે અને સસ્તા અનાજના દુકાનદારોની ચિંતાઓ સરકાર કરે છે- એવા ફૂલગુલાબી અહેવાલો અને paid જાહેરાતો ધૂમ મચાવી રહી છે, સામે છેડે કડવી અને વરવી હકીકતો એ છે કે, કરોડો રાશનકાર્ડધારકોની ચિંતાઓ કયાંય, કોઈ કરતું નથી. લાખો ગરીબોને બે ટંકની રોટી પણ નસીબ થતી નથી. આવી સ્થિતિઓ છતાં અધિકારીઓ ‘સબ ચંગા સી’ એવા ગાણાં ગાયે રાખતાં હોય છે, રાજ્યના અન્ય કેટલાંક જિલ્લાઓ માફક જામનગરમાં પણ પૂરવઠા વિભાગ રેઢિયાળ હાલતમાં છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, રાશનકાર્ડ મારફતે ગરીબો અને મધ્યમવર્ગના લોકો સુધી દર મહિને તુવેરદાળ અને ચણા સહિતની ચીજો યોગ્ય પદ્ધતિઓ દ્વારા પહોંચાડવાની જવાબદારીઓ જેતે જિલ્લાના પૂરવઠા વિભાગની હોવા છતાં, જામનગરમાં આ બાબતે લાલિયાવાડીઓ ચાલી રહી છે. ગત્ મહિને ઘણાં બધાં દુકાનદાર સુધી તુવેરદાળ પહોંચી ન હતી. ઘણાં દુકાનદારને મહિનાને અંતે આપવામાં આવી, જેને કારણે હજારો રાશનકાર્ડધારકો આ માલવિહોણાં રહ્યા.
એ જ રીતે ચણામાં પણ એવું થાય છે. ઘણાં દુકાનદાર અને તેથી હજારો રાશનકાર્ડધારકો સુધી દર મહિને ચણા નિયમિત રીતે પહોંચતા નથી. દુકાનદારો કાર્ડધારકોને જવાબો આપી આપી થાકી કંટાળી જાય છે. તંત્ર રાસડા રમે છે. હજારો લોકો જરૂરી ચીજોથી વંચિત રહે છે. દુકાનદારોની તકલીફો તંત્ર સાંભળતું નથી. આ પરિસ્થિતિઓનો ગેરલાભ ઉઠાવી કેટલાંક દુકાનદારો પોતાની રીતે અમુક ચીજો બારોબાર બજારોમાં ફૂંકી મારે છે, જેને અધિકારીઓ પકડતા નથી અથવા પકડી શકતા નથી.
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં સરકારી અનાજ દુકાનદારોને આપવા માટે વિશાળ ગોદામ આવેલું છે. આ ગોદામનું કોઈ ધણીધોરી નથી. જવાબદાર અધિકારીઓ ગૂમ અથવા રજા પર હોય છે, જિલ્લા પૂરવઠા અધિકારી આ બાબતને ગંભીર લેખવાને બદલે હકીકતોનો બચાવ કરતાં રહે છે. ગોદામ મેનેજર કોઈના ફોન રિસિવ કરતાં નથી. ગોદામની જવાબદારીઓ ક્યા અધિકારીને સોંપવામાં આવી છે, એ અંગે જિલ્લા પૂરવઠાતંત્ર મોઢામાં મગ ભરી રાખે છે, પૂરવઠાતંત્રને જવાબદારીઓ નિભાવવામાં રસ ન હોય તેવી સ્થિતિઓ હોવા છતાં, જિલ્લા પૂરવઠાતંત્રનો કયારેય ખુલાસો પૂછવામાં આવતો નથી.