Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
રાજ્ય સરકાર દ્વારા દરવર્ષ ચોમાસું આવે તે પૂર્વે સિંચાઈ વિભાગો હસ્તક જે તે ગામોના ડેમો અને તળાવો ઊંડા ઉતારવાના કામો કરવાનો આશય ઉમદા છે, પણ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ભેગા મળીને આવા કામોમાંથી કેમ મલાઈ તારવાય તેની સુવ્યવસ્થિત ગોઠવણ કરી લે છે, અગાઉના વર્ષોમાં પણ આવા કિસ્સાઓમાં કટકીઓ થયું હોવાનું અનેક વખત સામે આવી ચુક્યું છે, એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકામાં આવા જ એક કામ માટે સરપંચ વતી તેનો પુત્ર લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોને હાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે કે….
ખંભાળિયા – જામનગર રોડ ઉપર આવેલા સિંહણ ડેમમાંથી માટી (કાંપ) કાઢવાનું કામ કરતા એક આસામી દ્વારા તેના આ કામ ધંધામાં હેરાનગતિ કરી અને નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાખીબેન મેરામણભાઈ ગુજરીયા દ્વારા રૂપિયા 1.10 લાખની રકમની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ફરિયાદી આસામી આપવા માંગતો ન હોય, તેમના દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને જાણ કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પોલીસ મથકના પી.આઈ. પી.એ. દેકાવાડિયા તથા તેમની ટીમ દ્વારા ગતસાંજે લાંચ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા આરાધના ધામ રોડ ઉપર ફરિયાદી દ્વારા આરોપી સરપંચ પુત્ર ફૂલસુરભાઈ ઉર્ફે ફૂલો મેરામણભાઈ ગુજરીયાને રૂ. 1.10 લાખ રોકડા આપતા તુરંત જ એ.સી.બી. પોલીસ સ્ટાફ આ સ્થળે પહોંચી ગયો હતો અને લાંચની ટ્રેપમાં આ રકમ સ્વીકારતા બંનેને ઝડપી લીધા હતા. જે અંગે ધોરણસર ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા તેમના પુત્ર લાંચના છટકામાં ઝડપાઈ જતા સ્થાનિક ગ્રામજનો તેમજ આ વર્તુળોમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.