Mysamachar.in-જામનગર:
સરકાર શહેર અને ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પણ નીચે પહોચતા આ રકમમાંથી વિકાસના કામો કરવાને બદલે સ્વ વિકાસ થાય તેવા કામો કરી અને કામમાં વેઠ ઉતારવામાં આવે છે પરિણામે લોકોને તો અંતે હાલાકી વેઠવાનો જ વારો આવે છે, જામનગર જીલ્લાના લાલપુર ગામે આવેલ અલગ અલગ શેરીઓ સિમેન્ટ કોન્ક્રીટથી મઢવા માટે અઢી કરોડ જેટલા ખર્ચ બાદ આ કામમાં વેઠ ઉતરી રહયાની સ્થાનિકેથી ફરિયાદ હોવાની વાતને જામનગર જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના નાયબ ઈજનેર ચુડાસમાએ પણ સમર્થન આપ્યું છે.
લાલપુરના સીસી રોડના કામ અંગે નાયબ ઈજનેર જયવીરસિંહ ચુડાસમાની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવતા તેવાઓએ વિગતો આપતા જણાવ્યું કે રૂરબંધ યોજના હેઠળ લાલપુરની અલગ અલગ શેરીઓના સીસીરોડ મંજુર કરવામાં આવ્યા છે, અમુક જગ્યાએ કોઈપણ કારણોસર સરફેસ રફ નીકળી છે, અને મોરબીની એજન્સીને કામ મળ્યું છે, અને લાલપુરના સ્થાનિક દ્વારા પેટામાં કામ કરવામાં આવી રહ્યું છે.કામ 10 % જેટલું બાકી છે.પાંચ સાત શેરીઓમાં કામ ખરાબ થતા એજન્સીને નોટીસ આપી અને કામ ફરી કરવા સુચના આપી છે.વધુમાં તેવોએ કહ્યું કે એક સપ્તાહમાં 4 ફરિયાદ મળી છે અને 100% કામ યોગ્ય નથી થયું અને અમુક જગ્યાઓ પર ભૂલ થઇ છે તેવો નાયબ ઈજનેરે ટેલીફોનીક વાતચીતમાં સ્વીકાર કર્યો છે.
ત્યારે હવે આ કામ થઇ રહ્યું હતું ત્યારે સ્થળ પર નાયબ ઈજનેર, એસ.ઓં.સહીત કોણ કોણ હાજર રહ્યું હતું..? તેવોએ શું સૂચનાઓ આપી.? શું પેટામાં કામ આપી શકાય તેવો ક્લોઝ ટેન્ડરમાં છે…?કામમાં લોટ પાણીને લાકડા થયા છે કે કેમ..? આવેલ ફરિયાદો અન્વયે શું કાર્યવાહી કરવામાં આવી.? એજન્સી સામે નોટીસ સિવાય શું પગલા.? આ તમામ મુદ્દાઓ તપાસ માંગી લેતા છે અને જો ખરેખર કામમાં વેઠ ઉતરી હોય તો જવાબદાર તમામ સામે પગલા લેવામાં આવી તેવી માંગ પણ સ્થાનિકોની ઉઠી છે.