Mysamachar.in:ગાંધીનગર
રાજ્યની વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકારે CAG નો રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કર્યો. આ રિપોર્ટ જણાવે છે કે, રાજ્યના 3 મહત્વપૂર્ણ વિભાગો આરોગ્ય, કૃષિ અને શિક્ષણ એવા વિભાગો છે, જે ખર્ચની વિગતો ન આપવાના મુદ્દે સૌથી આગળ છે, તેમાં પણ આરોગ્ય વિભાગ પ્રથમ ક્રમે છે.
રિપોર્ટ કહે છે: આરોગ્ય વિભાગે રૂ. 3,055 કરોડનો હિસાબ જાહેર કર્યો નથી. કૃષિ વિભાગમાં આ આંકડો રૂ. 1,677 કરોડનો અને શિક્ષણ વિભાગે રૂ. 1,240 કરોડના ખર્ચના હિસાબો આપ્યા નથી. સરકારમાં જે કુલ રકમના હિસાબો જાહેર કરવામાં આવ્યા નથી, તે રકમ પૈકી 57 ટકા રકમ આ 3 વિભાગની છે. નાણાંકીય પરિસ્થિતિઓ પરનો આ ઓડિટ અહેવાલ 2022-23 નો છે.
કેગ ઓડિટ રિપોર્ટ કહે છે: પાછલાં 20 વર્ષ દરમિયાન રૂ. 10,408 કરોડના કુલ 3,732 વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા નથી. 2014 પછી વપરાશી પ્રમાણપત્ર ન આપવાનું પ્રમાણ એકદમ વધી ગયું છે. રિપોર્ટ આગળ જણાવે છે, 2023માં પૂર્ણ થતી પાછલાં 10 વર્ષની 213 યોજનાઓ એવી છે જેમાં રૂ. 12,000 કરોડથી વધુનો ખર્ચ થઈ ગયો છે. આમ છતાં આ યોજનાઓ હાલ અધૂરી છે.
માર્ગ મકાન વિભાગની 184 યોજનાઓ અપૂર્ણ છે. નર્મદા વિભાગની 29 અધૂરી યોજનાઓ પાછળ 92.09 ટકા રકમનો ખર્ચ થયો છે. નોંધનીય છે કે, આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના યોજના અમલીકરણ એકમોએ જે કામો હાથ ધરેલાં છે, તે કામોના ખર્ચની વિગતોનો કેગ ઓડિટ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ગૃહ વિભાગ અંતર્ગતના પોલીસ આવાસ વિભાગની ખર્ચની વિગતોનો પણ આ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ નોડલ એજન્સીઓમાં 31-03-2023ની સ્થિતિએ રૂ. 8,232 કરોડ વણવપરાયેલા પડ્યા હતાં.