Mysamachar.in-જામનગર:
પરિવારમાં મંગલ પ્રસંગ પૂર્વે વડિલો, પરિવારનાં આંતરિક ડખ્ખાઓને કાયમી અથવા હંગામી ધોરણે સૂલટાવી લેવાં અને પ્રસંગના ફોટાઓ તથા વીડિયોમાં સૌનાં ચહેરા ખુશખુશાલ જ દેખાય એ માટે તાકીદે વચલો રસ્તો શોધી કાઢી, મતભેદો અને વિવાદોને ઘરનાં સ્ટોરરૂમમાં મૂકાવી દેતાં હોય છે અને બેઠકખંડને ભવ્ય રીતે સજાવતા હોય છે. પક્ષો માટે ચૂંટણી પણ આવો જ એક મંગલ પ્રસંગ હોય છે. સૌએ ચહેરાઓ હસતાં રાખવાનાં હોય છે.
જામનગર જિલ્લામાં ચૂંટણી પૂર્વે ઘણાં સમાધાનો ખાનગીમાં અને કેટલાંક સમાધાનો ચોક્કસ લોકોની હાજરીમાં થઈ રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કાલાવડ ભાજપાને પણ યાદ કરી લઈએ ! કહેવાય છે કે, કાલાવડ શહેર ભાજપા અધ્યક્ષ અને કાલાવડ પાલિકા પ્રમુખ વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે ! સંગઠન પાંખ ઉપલો પેચ લડાવવા ઘણી મહેનત કરી રહી છે જ્યારે ચૂંટાયેલી પાંખ પણ પોતાનો દોર આકરો માંજો પાયેલી હોય, ઢીલ આપવાનાં મૂડમાં ઘણાં સમયથી નથી !
આધારભૂત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની સ્થિતિ કાલાવડ ભાજપામાં ઘણાં સમયથી છે, જેને કારણે પાર્ટીનો પતંગ અહીં ગોથે ચડ્યો છે. સંગઠનનાં જિલ્લા કર્તાહર્તાઓ સમક્ષ ભૂતકાળમાં ચાર-પાંચ વખત બંધબારણે બેઠક મળી હોવાનું પણ કહેવાય છે. આમ છતાં ઘી નાં ઠામમાં ઘી ન પડતાં તાજેતરમાં વધુ એક વખત મોભીઓની ઉપસ્થિતિમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખના કાલાવડના સેનાપતિઓ વચ્ચે બેઠક યોજાઇ હોવાનું અને માથે ચૂંટણીનો મંગલ પ્રસંગ હોય, બંને શક્તિશાળી જૂથોને હાલ તલવાર ‘મ્યાન’ કરવાની તથા મીડિયા અને મહેમાનો (લોકો) સમક્ષ હસતાં મોઢા રાખવાની કડક સૂચના આપવામાં આવી હોવાનું સમજાઈ રહ્યું છે.
જો કે, ચૂંટણી દાવેદારોની રજૂઆતો વખતે અને ચૂંટણી પછી ફરી આ કથિત વિવાદ જિવતો થઈ શકે છે ! એમ પણ જાણકારો ઉમેરી રહ્યા છે. Mysamachar.in સાથેની વાતચીતમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ, કાલાવડ શહેર ભાજપા અધ્યક્ષ અને કાલાવડ નગરપાલિકા પ્રમુખ, ત્રણેય મહાનુભાવોએ એક જ સૂરમાં પ્રતિભાવ આપ્યો કે એવું કાંઈ નથી. પાલિકાની કામગીરી વધુ ઝડપથી થાય તે માટે સંગઠન અને ચૂંટાયેલી પાંખને જિલ્લા કક્ષાએથી ડોઝ આપવામાં આવ્યો છે ( માથે ચૂંટણી છે એટલે!?).જો કે, જાણકારો એમ પણ પૂછી રહ્યા છે કે, ‘ આગ’ નો બધાં જ ઈન્કાર કરી રહ્યા છે તો પછી આટલો ધૂમાડો કાં દેખાઈ રહ્યો છે ?! ઘણાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ગૂંગળામણ અનુભવી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે, ‘ સબ સલામત ‘ ની આલબેલ ગૂંજી રહી છે.