Mysamachar.in-જામનગર
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળેલ હોય તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે. વાયરલ અને બેકટેરિયલ રોગચાળાને કારણે સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને CHC એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, આ ઉપરાંત હજારો દર્દીઓ ખાનગી સારવાર પણ મેળવી રહ્યા છે, મેલેરિયા તાવ સહિતના અન્ય રોગચાળા સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત ડેન્ગ્યુના રોગચાળાનો ફૂંફાડો જોવા મળે છે. છેલ્લા ચાર વર્ષથી ડેન્ગ્યુનો રોગચાળો સતત વધી રહ્યો છે. જિલ્લાનું આરોગ્યતંત્ર આ રોગચાળાને અંકુશમાં રાખવામાં નિષ્ફળ સાબિત થયું છે.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્યતંત્રના આંકડા જણાવે છે કે, વર્ષ 2019માં ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુના કુલ 443 કેસ નોંધાયા હતાં. વર્ષ 2020માં આ કેસ જાહેર કરવામાં આવ્યા ન હતાં, ત્યારે કોરોનાનો પ્રભાવ હતો. ત્યારબાદ વર્ષ 2021માં ડેન્ગ્યુના 61 કેસ અને વર્ષ 2022માં 79 કેસ નોંધાયા હતાં. વર્ષ 2023માં પણ આગલા વર્ષની સરખામણીએ કેસ વધી જઈ 83 નોંધાયા હતાં અને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ડેન્ગ્યુના 150 કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે આ આંકડા પણ શંકાસ્પદ હોય શકે છે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો હોવાથી ડેન્ગ્યુના વધુ કેસ હોવાની શકયતાઓ છે. અને, ખાનગી હોસ્પિટલોના આંકડા તો જાહેર જ નથી થતાં.
જામનગર શહેરમાં પણ ડેન્ગ્યુ સંબંધિત સ્થિતિઓ 2022ની માફક ચિંતાપ્રેરક છે. વર્ષ 2020માં શહેરમાં ડેન્ગ્યુના કુલ કેસ 30 નોંધાયા હતાં. 2021માં આ કેસની સંખ્યા 244 રહી હતી. વર્ષ 2022માં ડેન્ગ્યુના કુલ કેસ 597 થઈ ગયા હતાં. ઓક્ટોબર અને નવેમ્બરમાં બહુ કેસ નોંધાયા હતાં. ગત્ વર્ષે 2023માં આ કેસ 142 હતાં. અને, આ વર્ષે 6 નવેમ્બર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ કેસ 340 થઈ ગયા છે. ટૂંકમાં, શહેરમાં 2022 જેવી ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લામાં પણ 2019 પછી પ્રથમ વખત આ વર્ષે કેસની સંખ્યા નોંધપાત્ર રહી છે.